ડાંગ: ગુજરાતના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં કોરોનાના કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ ત્રણેય યુવતીઓ સુરતની ખાનગી હોસ્પીટલમાં નર્સ તરીકેની નોકરી કરતી હતી. લોકડાઉનનાં સમયગાળા દરમિયાન ડાંગ આવ્યા બાદ આ નર્સ યુવતીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
આ સાથે જ વહીવટી તંત્રએ આ તમામને સી.એચ.સી કોવિડ કેર સેન્ટર ખાતે આઇસોલેટ કરી હતી. જ્યારે પોઝિટિવ દર્દીઓના આસપાસના ત્રણ કી.મી. ત્રિજ્યાવાળા વિસ્તારને કન્ટેન્મેંટ એરિયા અને સાત કી.મી ત્રિજ્યા ધરાવતા વિસ્તારને બફરઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. સદનસીબે હાલની તારીખમાં આ વિસ્તારોમાં એક પણ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા નથી.
ડાંગ જિલ્લો બન્યો કોરોનામુક્ત: ત્રીજા દર્દીને રજા આપવામાં આવી આ સાથે જ ડાંગ કલેક્ટરની સૂચનાથી આરોગ્યની ટીમ દ્વારા સતત ઘરે ઘરે જઇને સર્વે કરવામાં આવ્યો હતો. આ ત્રણેય દર્દીઓનાં સારવાર બાદના તમામ રિપોર્ટ નેગેટીવ આવતા તેમને 14 દિવસ બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. થોડા દિવસ પૂર્વે સુબીર તાલુકાના લહાનઝાડદર ગામની પ્રથમ કોરોના પોઝિટિવ યુવતી પ્રીતિબેન કુંવર સ્વસ્થ થઈ જતા રજા અપાઈ હતી. જ્યારે રવિવારે વઘઇ તાલુકાનાં ભેંડમાળ ગામની બીજી કોરોના પોઝિટિવ દર્દી નેહાબેન ગાવીત પણ સ્વસ્થ થઈ જતા તેને રજા અપાઈ હતી.
સોમવારે આહવાની કોરોના પોઝિટિવ ત્રીજા દર્દી એવા પલ્લવીબેન લાખનના પણ તમામ રિપોર્ટ નેગેટીવ આવતા ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા. ડાંગ જિલ્લાના બીજા અને ત્રીજા દર્દીની સારવાર શામગહાન સી.એચ.સી કોવિડ કેર સેન્ટર ખાતે ચાલી રહી હતી. શામગહાન કોવિડ કેરનાં અધિક્ષક ડૉ.મિલન પટેલ અને ડો.ચિંતન ડાંખરા, ડૉ મિહિર ટંડેલ તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સખત પરિશ્રમ કરી સતત 14 દિવસ સુધી આ દર્દીઓની સારવાર કરતા મહેનત રંગ લાવી હતી.
આ બાબતે ડાંગ કલેક્ટર એન.કે. ડામોરે ડાંગ જિલ્લાનાં તમામ લોકોને જાગૃતતા કેળવી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા, હાથ વારંવાર ધોવા, માસ્કનો ઉપયોગ કરી આવનાર દિવસોમાં તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.