ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાઈરસના વધતા કેસને લઈ ડાંગ કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું - Dang Corona News

ડાંગ જિલ્લાના આહવા ખાતે ફરીથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.ડામોર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લાના કેટલાક વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન, માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન તથા બફર ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.

કોરોના વાઈરસના વધતા કેસને લઈ ડાંગ કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
કોરોના વાઈરસના વધતા કેસને લઈ ડાંગ કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

By

Published : Mar 31, 2021, 3:34 PM IST

  • આહવામાં કોરોનાના કેસમાં વધારો
  • જિલ્લામાં કોરોના વાઇરસના વધતા કેસને લઈ તંત્ર હરકતમાં
  • જિલ્લાના કેટલાક વિસ્તારોને કન્ટેઇનમેંન્ટ ઝોન, માઈક્રો કન્ટેઇનમેંન્ટ ઝોન તથા બફર ઝોન જાહેર કરાયા

ડાંગઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે, ત્યારે ડાંગ જિલ્લાના આહવા સહિતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.ડામોર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

કલેક્ટરે જાહેરનામું બહાર પાડી કેટલાક વિસ્તારો પ્રતિબંધિત કર્યા

આહવાની સહયોગ સોસાયટી ખાતે કિશોર હિરેના ઘરથી પશ્ચિમમા શાંતારામ દુસાનેના ઘર સુધીનો વિસ્તાર, પૂર્વમા સુનીતાબેનના ઘર સુધીનો વિસ્તાર, દક્ષિણમા રન્જીતાબેનના ઘર સુધીનો વિસ્તાર અને ઉત્તરમા અશોકભાઈ સોલંકીના ઘર સુધીનો વિસ્તાર તેમજ આહવા પટેલપાડા ખાતે દિનેશભાઈ સોનવણે અને નામદેવ સોનવણેના ઘરથી પશ્ચિમમા મુમ્તાજ શેખના ઘર સુધીનો વિસ્તાર, પૂર્વમા સલીમવલ ખુરેશીના ઘર સુધીનો વિસ્તાર, દક્ષિણમા ગોકુળભાઈના ઘર સુધીનો વિસ્તાર અને ઉત્તરમા દીપક જાદવના ઘર સુધીનો વિસ્તાર આ વિસ્તારોમા એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ ઉપર આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર આરોગ્ય ટીમ દ્વારા સો ટકા થર્મલ સ્ક્રીનીંગ કરવાનુ રહેશે. આ વિસ્તારમા આરોગ્ય વિભાગે નક્કી કરેલા પ્રોટોકોલ મુજબ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સેમ્પલીંગની કાર્યવાહી કરવામાં આવશે.

સમગ્ર વિસ્તારને સીલબંધ કરી દેવામાં આવશે

કલેક્ટરના જાહેરનામાં અનુસાર આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ સિવાયના તમામ રસ્તાઓ યોગ્ય બેરીકેટીંગ કરીને સંપૂર્ણ બંધ કરવાના રહેશે અને સમગ્ર વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે. જેથી એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ સિવાયના અન્ય કોઈ પણ રસ્તેથી કોઈ પણ વ્યક્તિ કે વાહન પ્રવેશી શકે, કે બહાર જઈ ન શકે. આરોગ્ય ટીમે તમામ વ્યક્તિ તથા વાહનોનો વિગતવાર રેકોર્ડ રાખવાનો રહેશે. આ વિસ્તારમા બહારની કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકશે નહી. તથા આ વિસ્તારના રહેવાસી વ્યક્તિ પણ બહાર જઈ શકશે નહી.

આ પણ વાંચોઃ હોળી-ધુળેટી મામલે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

કન્ટેઇનમેંન્ટ ઝોનમા આવશ્યક સેવાઓ ફક્ત સવારે 7 થી સાંજે 7 કલાક સુધી જ ચાલુ

આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ ઉપર આરોગ્ય ટીમ, આવશ્યક ચીજવસ્તુઓને જાળવી રાખવાની કામગીરી સંભાળતી ટીમ અને પોલીસ કંટ્રોલ રૂમ ઉભો કરવાનો રહેશે અને રાઉન્ડ ધ કલોક (24 × 7) ત્યાંથી તમામ બાબતોનુ નિયમન કરવાનુ રહેશે. કન્ટેઇનમેંન્ટ ઝોનમા આવશ્યક સેવાઓ ફક્ત સવારે 7 થી સાંજે 7 કલાક સુધી જ ચાલુ રાખી શકાશે. આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ, અને કાયદો વ્યવસ્થા સંબંધિત ફરજો સહીત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામા આવશે.

કન્ટેઈનમેન્ટ ઝોન પ્લાનની ગાઈડલાઈનની ચુસ્તપણે અમલવારી

ભારત સરકારના કન્ટેઈનમેન્ટ ઝોન પ્લાનની ગાઈડલાઈનની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે. કન્ટેઇનમેંન્ટ ઝોનમાંથી કોઈપણ વ્યક્તી/કર્મચારીઓ, કન્ટેઇનમેંન્ટ ઝોનની બહારના સરકારી/ખાનગી એકમોમા ફરજ ઉપર જઈ શકશે નહી. ભારત સરકાર તથા રાજ્ય સરકારના વિવિધ જાહેરનામાઓ, માર્ગદર્શિકાઓ, જોગવાઈઓ અનુસાર સમગ્ર જિલ્લામા આપવામા આવેલી છૂટછાટો આ વિસ્તારને લાગુ પડશે નહી. તેમજ લોકડાઉન અંગેના જાહેરનામામા દર્શાવેલી પ્રતિબંધિત કૃત્યો કરી શકાશે નહી.

આ પણ વાંચોઃજામનગર કલેકટર દ્વારા ચૂંટણીને લઇને મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

કન્ટેઈનમેન્ટ ઝોન ઉપરાંત નીચે દર્શાવેલા વિસ્તારને બફર ઝોન જાહેર કરાયા છે

સહયોગ સોસાયટી-આહવા ખાતે કિશોર હિરેના ઘરથી પશ્ચિમમા મકસુદ શેખના ઘર સુધી, પૂર્વમા ઉત્ત્પલ પુરોહિતના ઘર સુધી, દક્ષિણમા રાધાબેન ગાયકવાડના ઘર સુધી, અને ઉત્તરમા ગીરીકન્યા છાત્રાલય સુધીનો વિસ્તાર, તથા આહવાના પટેલપાડા ખાતે દિનેશ સોનવણેના ઘરથી પશ્ચિમમા નેહા ચોથવના ઘર સુધી, પૂર્વમા વિમલ સીતારામના ઘર સુધી, દક્ષિણમા મહેન્દ્ર યાદવના ઘર સુધી, અને ઉત્તરમા પુષ્પાબેન કાનડેના ઘર સુધીનો વિસ્તાર બફર ઝોન તરીકે જાહેર કરાયો છે.

બફર ઝોન વિસ્તારમાં માત્ર એક જ માર્ગ ખુલ્લો રખાશે

કલેક્ટરના જાહેરનામાં અનુસાર બફર ઝોન વિસ્તારમા આવશ્યક સેવાઓના પુરવઠા સંબંધિત અવરજવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી જ મુક્તિ આપવામા આવે છે. જેમા સોશિયલ ડીસ્ટન્સિંગનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે. આ સમયગાળા દરમિયાન દ્વિચક્રીય વાહન ઉપર એક વ્યક્તિથી વધુ નહી અને ત્રણ/ચાર ચક્રીય વાહનમા બે વ્યક્તિ (ડ્રાઈવર સહિત)થી વધુ પ્રવાસ કરી શકશે નહી.

પાસ ઈશ્યુ કરવામા આવ્યાં હોય તેવી વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહી

આ વિસ્તાર માટે આ હુકમ સરકારી ફરજ, કામગીરી ઉપરના હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી, સરકારી/ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલા જાહેર સેવક કે જેઓ કાયદેસરની ફરજ પર હોય, તેઓને ભારત સરકાર અને ગુજરાત સરકારના વખતો વખતના હુકમો અનુસાર આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઈશ્યુ કરવામા આવ્યાં હોય તેવી વ્યક્તિઓ સહીત સ્મશાનયાત્રાને આ હુકમ લાગુ પડશે નહી.

હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારાઓ શિક્ષાને પાત્ર

આ હુકમની અમલવારી તારિખ 26/03/2021થી આ વિસ્તારમા કોરોનાના દર્દીને રજા આપ્યા પછીના 14 દિવસ સુધીનો રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારા અથવા તે માટે મદદ કરનારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-2005ની કલમ-51 થી 60 તથા ભારતીય દંડ સંહિતાની કલમ-18 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે ડાંગ જિલ્લામા ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓ, તથા આરોગ્ય વિભાગના અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનારા ઇસમો સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-2005 ની કલમ-51 થી 60 તથા ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ ફરિયાદ માંડવા અધિકૃત કરવામા આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details