ડાંગ: મળતી માહિતી મુજબ અગામી 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી યોજાનારી છે. જેને લઈને ભાજપે 7 બેઠકો માટે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં અનુસૂચિત જન જાતિની ડાંગ બેઠક માટે વિજય પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી: ભાજપે ઉમેદવાર તરીકે વિજય પટેલનું નામ જાહેર કર્યું - By election
ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠક માટે આગામી દિવસોમાં યોજાનારી પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ડાંગ બેઠક માટે વિજય પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. વિજય પટેલ ભાજપ તરફથી છેલ્લી 4 ટર્મથી ઉમેદવારી કરતા આવ્યાં છે. જેમાં ફક્ત એકવાર તેમને જીત મળી છે.
વિજય પટેલ આહવા તાલુકાનાં હનવતચોંડ ગામનાં વતની છે. તેઓ ગત 4 ટર્મથી ભાજપ તરફથી વિધાનસભામાં ઉમેદવારી કરતાં આવ્યાં છે. જેમાં તેમને ફક્ત 2007ની વિધાનસભાની ચૂંટણીમાં જીત મળી હતી. ડાંગ ભાજપ પાસે સક્ષમ ઉમેદવારો હોવા છતાં પાર્ટી દ્વારા વિજય પટેલને ટિકિટ આપવામાં આવી છે. સ્થાનિકોનું માનીએ તો, વિજય પટેલને વારંવાર પાર્ટી તરફથી ટિકિટ અપાતી હોવાથી અન્ય સભ્યો નારાજ થયા છે, જેથી ભાજપની હાર થતી આવી છે.
બીજી તરફ અહીં કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવેલા અને કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા મંગળ ગાવીત પોતાને ટિકિટ મળવાનો દાવો કરી રહ્યા હતાં. રાજ્યમાં વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 5 ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી છે. હવે મંગળ ગાવિતને ટિકિટ નહીં મળતાં અહીંના લોકો કોને સપોર્ટ કરશે તે જોવાનું રહ્યું.