ડાંગ: હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે, આવા સંજોગોમાં ઘરની ચિંતા કર્યા વગર માનવજાતને બચાવવા દિવસ-રાત મહેનત કરતા અને વૈશ્વિક મહામારીની આ વિકટ પરિસ્થિત સામે લડવા માટે કોરોના સામેની જંગમાં નિડરતા પૂર્વક કોરોના વોરિયર્સ કામગીરી કરી રહયા છે.
નવસર્જન આદિવાસી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના વોરિયર્સને કર્યા સન્માનિત કોરોનાને માત આપવા માટે લોકસેવાની ભાવનાથી ઉત્તમ કામગીરી કરી કોરોના વાઇરસને હરાવવા યુધ્ધના મેદાનમાં ઉતરેલા આરોગ્ય વિભાગના કર્મીઓ, ડોક્ટરો, નર્સ, મેડિકલ સ્ટાફ, આર.બી.એસ.કે સ્ટાફ,108 માં ફરજ બજાવતા કર્મીઓ, પોલીસ વિભાગના કર્મીઓ, પત્રકારો, તથા અન્ય સંલગ્ન વિભાગના અનેક વિરલ યોદ્ધાઓ ઝઝુમી રહયા છે. જેમણે આ વિપરીત વાતાવરણ વચ્ચે રહી પોતાના પરિવારની નહીં પણ આપણાં સૌના પરિવારના રક્ષણ માટે સેવા આપી હતી.
આ તમામ કોરોના વોરિયર્સનું મનોબળ વધે તે હેતુથી નવસર્જન આદિવાસી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ વઘઇ પરિવાર દ્વારા કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવા કોરોના વોરિયર્સનો આભાર માની સ્નેહસભર આભાર સન્માન પત્ર પાઠવવામાં આવી રહ્યા છે. કોરોના વાઇરસના સંક્રમણના કારણે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય અને જાહેરનામાનો પણ ભંગ ન થાય એ માટે કોરોના વોરિયર્સને સોશિયલ મીડિયાના માધ્યમથી ડીજીટલ સ્વરૂપે ઈન્ટરનેટના માધ્યમથી સન્માન પત્ર મોકલી, તેમની કામગીરીને બિરદાવી વિશિષ્ટ સેવા આભાર સન્માન પત્ર આપી તેઓના મનોબળ સાથે જોમ જુસ્સો વધાર્યો હતો.
કોરોના વોરિયર્સે નવસર્જન આદિવાસી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ વઘઇ પરિવાર દ્વારા સન્માન પત્ર આપવા બદલ અને તેઓની ઉત્કૃષ્ઠ કામગીરીને બિરદાવવા બદલ ટ્રસ્ટ ના પ્રમુખ હિતાર્થ પટેલ, ઉપ પ્રમુખ ગુલાબભાઈ.એન.પટેલ, મંત્રી માધવભાઈ ચૌધરી તથા તમામ ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો.
આ ટ્રસ્ટ દ્વારા વઘઇ ખાતે સ્વચ્છતામાં સહયોગ આપી ફરજ અદા કરતા સફાઈ કર્મીઓને અનાજની કીટ સાથે સન્માન પત્ર આપવામાં આવ્યા હતા. નવસર્જન આદિવાસી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટે તમામ કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.