- વલસાડનાં 2 શખ્સની સાપુતારા ચેકપોસ્ટ ઉપર અટકાયત
- ચેકપોસ્ટ ઉપર 2 શખ્સએ નકલી RT-PCR રિપોર્ટ રજૂ કર્યા
- સાપુતારા આરોગ્યકર્મી દ્વારા નકલી RT-PCR રિપોર્ટ રજૂ કરનાર સામે ફરિયાદ
ડાંગ:પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં સાપુતારા ચેકપોસ્ટ ઉપર મહારાષ્ટ્રથી પ્રવેશ કરનાર લોકોને RT-PCR રિપોર્ટ વગર પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. ત્યારે ડાંગ જિલ્લા વહીવટી તંત્રની સુચનાનાં આધારે સાપુતારા CHCનાં મેડીકલ ઓફીસર ડૉ નિર્મલ પટેલ તથા સાપુતારા પોલીસ મથકનાં PSI એમ.એલ.ડામોર તેમજ PSI એસ.જી.વસાવા સહિત પોલીસ અને આરોગ્યકર્મીની ટીમો નોવેલ કોરોના વાયરસનાં અનુસંધાને સરકારનાં આરોગ્ય વિભાગનાં હુકમનાં અંતર્ગત સાપુતારા ચેકપોસ્ટ પર હાજર હતા. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા વાહનોને કતારબંધ ઉભા રાખી તેઓ પાસેનાં RT-PCR રીપોર્ટ ચેક કરી રહયા હતા ત્યારે સાંજનાં અરસામાં વલસાડનાં 2 શખ્સ જેઓ મહારાષ્ટ્રથી અશોક.લેલન.ગાડી નં DD 01 C 9833માં મરઘા માટેનું ફૂડ ભરી સાપુતારા ચેકપોસ્ટ પાસે આવતા અહીં હાજર આરોગ્યકર્મીઓ દ્વારા તેઓનાં RT-PCR રિપોર્ટ ચેક કરવામાં આવ્યા હતા.
વલસાડનાં શખ્સોએ નકલી RT PCR રિપોર્ટ રજૂ કર્યો
જેમાં આ રિપોર્ટ તાપી જિલ્લાનાં પદમડુંગરી PHC માં 17 માર્ચનાં રોજ ઇસ્યુ થયેલા જણાયા હતા. મોટાભાગે RT-PCR ટેસ્ટનો રિપોર્ટ 24 કલાકમાં આવે છે. જ્યારે આ શખ્સોએ એક જ દિવસમાં રિપોર્ટને ડુપ્લિકેટ બનાવી નેગેટીવ બતાવ્યો હતો. જેથી સાપુતારાનાં આરોગ્યકર્મીઓને શંકા જતા અને આ બન્ને શખ્સોનાં રિપોર્ટ ફેક જણાતા તેઓએ પદમડુંગરી ડોલવણ PHCનાં ડૉ યોગેશ ગામીતને ટેલિફોનીક વાતચીત કરી આ બન્ને ફેક રિપોર્ટ ફોટોશોપ કરતા આ ડૉક્ટરે આ રિપોર્ટ અમે આપ્યા નથી તેમ જણાવતા અહી ડુપ્લીકેટ RT-PCR રીપોર્ટનો પર્દાફાશ થયો હતો.