સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દરમિયાન જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરતા કલેકટર એન.કે.ડામોરે જણાવ્યું હતું કે દરેક કામગીરી સંપૂર્ણ પારદર્શક કરવાની રહેશે. જેમાં અરજદારોના પ્રશ્નો અંગે સત્વરે હકારાત્મક ઉકેલ આવે તે મુજબની કામગીરી કરવાની રહેશે. જમીન બાબતોના પ્રશ્નો અંગે અરજદારો જમીન માપણી કરાવી શકે છે. જમીનના વળતર ચૂકવવા અંગે જંત્રી મુજબ આકારણી કરી અરજદારને વહેલી તકે નાણાં મળી રહે તે માટે સબંધિત અધિકારીને સૂચન કર્યું હતું.
જુના પેન્ડીંગ પ્રશ્નો અંગે જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે માળખાગત સુવિધાના 26 ગામોના પ્રશ્નો અંગે વહીવટી મંજૂરી અપાઈ હોય એટલા જ કામો કરી શકાય જેથી વધારાના કામો હાથ ન કરવા જેથી નાણાકીય પ્રશ્નો ઉદ્ભવે નહીં.
સુબીર ખાતે વન વિભાગના લાકડા ચોરીના કેસમાં જિલ્લા પોલીસ વડા શ્વેતા શ્રીમાળી એ જણાવ્યું હતું કે મુદ્દામાલ સાથે પકડાયેલ લાકડાચોરીના કિસ્સામાં પંચનામુ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. છતા મનદુઃખ રાખી ખોટી ફરિયાદ કરાયેલ હતી.
જિલ્લા ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં કુલ 7 પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં જમીન વળતર, જમીન નામ પર કરવી જેવા પ્રશ્નો રજુ કરાયા હતા. સી.એમ. ડેશબોર્ડ પરના પેન્ડીંગ લોક ફરિયાદના 3 પ્રશ્નો સાપુતારામાં જમીન મેળવવા માટેના હતા. જેમાં અરજદારોએ સીધા પ્રશ્નો જિલ્લામાં ન મોકલતા હીયરીંગ માટે રૂબરૂ બોલાવી જવાબ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોર, પ્રાંત અધિકારી કાજલ ગામીત, ઉત્તર ડાંગ નાયબ વન સંરક્ષક અગ્નૈશ્વર વ્યાસ, મામલતદાર વધઈ, સુબીર સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.