- ડાંગ જિલ્લા પંચાયત બજેટની બેઠક યોજાઇ
- કોંગ્રેસના એકમાત્ર સદસ્યને સામાન્ય સભાની નોટિસ ન અપાઇ
- ડાંગ જિલ્લા પંચાયત કુલ 18 બેઠકોનું પીઠબળ ધરાવે છે
- ડાંગ જિલ્લા પંચાયતમા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ ચૂકી
ડાંગઃ પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા પંચાયત કુલ 18 બેઠકોનું પીઠબળ ધરાવે છે. હાલમા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા ડાંગ જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકોમાથી 17 બેઠકોને ભાજપે કબ્જે કરી શાસનની ધુરા સંભાળી છે. જ્યારે ડાંગ જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકોમાથી કાલીબેલ જિલ્લા પંચાયતની માત્ર એક બેઠક પર કૉંગ્રેસનાં મેન્ડેટ પરથી ગીતાબેન મુકેશભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા છે.
કોંગ્રેસનાં એકમાત્ર ઉમેદવારને સામાન્ય સભાની નોટિસ ન આપતાં ફરિયાદ કરી
ડાંગ જિલ્લા પંચાયતમા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ ચૂકી છે. ત્યારે ગત 30-03-2021ની જિલ્લા પંચાયતની બજેટની સામાન્ય સભામા કાલીબેલ જિલ્લા પંચાયતનાં કૉંગ્રેસનાં મેન્ડેટ પરથી ચૂંટાયેલા એક માત્ર જિલ્લા સદસ્ય ગીતાબેન મુકેશભાઈ પટેલને સભામા હાજર રહેવા માટેની નોટીસ મળી ન હતી. તેથી તેઓએ બળાપો ઠાલવી જણાવ્યુ હતુ કે, પંચાયતધારાની કલમ 91/6 મુજબની જોગવાઈ મુજબ મને સભા અંગેની જાણ કરવામા આવી નથી. એકબાજુ સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે. વિશ્વ મહિલા દિવસની જોર જોરથી ઉજવણી કરે છે, અને બંધારણનાં દિવસની પણ ઉજવણી કરે છે. ત્યારે એક આદિવાસી મહિલા જે લોકોની પ્રતિનિધિને બંધારણીય અધિકારો મુજબ મળેલી કર્તવ્યો રજૂઆતો, માંગણીઓ તેમજ અંદાજપત્ર જેવા અગત્યની અને ગંભીર બાબતો અંગેની રજૂઆતો કરવાથી દૂર રાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જે અત્યંત નીંદનીય અને ગેરબંધારણીય છે.