ડાંગ જિલ્લાના મુખ્યાલય આહવા ગ્રામ પંચાયતના કામોમાં ગેરરીતિઓ થયા હોવાની ફરિયાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હરીશ બચ્છાવે જિલ્લા વિકાસ અધિકારીને કરી છે. લેખિત ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, આહવા ગ્રામ પંચાયતે ગામના જુદા-જુદા વિસ્તારોમાં જુદી-જુદી જગ્યાએ લોકોને પાણીની સમસ્યા દૂર થાય તે માટે મીની પાઇપ લાઇન યોજનાઓ કરવામાં આવી હતી.
તેમજ આ અંગે ગ્રામ પંચાયત આહવાના સરપંચ તેમજ સભ્યને લાગતા વળગતા લોકોએ ગામની મીની પાઇપ લાઇનની સાધન સામગ્રી જેવી કે, મોટર, પાણીની ટાંકી અને પાઇપ ગ્રામ પંચાયત આહવા દ્વારા ગુમ કરી દેવામાં આવેલ છે. તેમજ અગાઉ પણ ગ્રામ પંચાયત વિશે ઘણી ફરિયાદો જોવા મળી હતી. આહવા ગ્રામ પંચાયત દ્વારા કચરા પેટીની ખરીદી તેમજ લાઇટની ખરીદી વગેરેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું.
આહવા ગ્રામ પંચાયતના કામોમાં ભ્રષ્ટાચાર બાબતે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા લેખિતમાં ફરિયાદ ડાંગ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ હરીશ બચ્છાવે આ બાબતે જણાવ્યું હતું કે, આહવા ગ્રામ પંચાયતની ફરિયાદો બાબતે TDO દ્વારા કંઈ ધ્યાન આપવામાં આવતું નહોતું. અવારનવાર ફરિયાદો આવતા તેઓએ જાતે મુલાકાત લીધી હતી. જેમાં મીની પાઇપ લાઈનોના કામો કરેલા, તે મીની પાઇપ લાઇન ખુબજ જર્જરિત હાલતમાં અને અર્ધ તૂટેલી હાલતમાં જોવા મળેલા અને તેનો અડધો સામાન પણ ગૂમ જોવા મળ્યો હતો. જે બાબતે આહવા ગ્રામ પંચાયતના સરપંચ કે કોઈ અધિકારી જવાબદારી લેવાં માટે તૈયાર નથી માટે રાજ્ય સરકારના ગ્રામ વિકાસ કમિશ્નરને અરજી કરી છે.
આહવા નગરના મોટાભાગના કામોમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. ગ્રામજનોને જે સુવિધાઓ આપવી જોઈએ તે આપવામાં આવી નથી. પ્રજાને સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. આ ઉપરાંત ઘણાં કામોમાં ગેરરીતી થયાની ફરિયાદો મળતાં ડાંગ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દ્વારા લેખિતમાં ફરિયાદ રજૂ કરી તપાસની માંગ કરવામાં આવી છે.