- મુખ્યપ્રધાન 4 જાન્યુઆરીએ ડાંગ પધારશે
- અનેક વિકાસ કામોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
- CMના સ્વાગત માટે જિલ્લા કલેક્ટરે બોલાવી બેઠક
CM રૂપાણી 4 જાન્યુઆરીએ ડાંગ જશે, અનેક વિકાસ કામોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
ડાંગઃ જિલ્લા કલેક્ટરે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સ્વાગત માટે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે જિલ્લાના સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કાર્યક્રમને સફળ બનાવવાની ડાંગ કલેકટર એન. કે. ડામોરે સૂચના આપી છે.
મુખ્યપ્રધાન દ્વારા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, સંભવતઃ આગામી 4 જાન્યુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવશે. તેઓ અહીં ડાંગ જિલ્લાના પાણી પૂરવઠા બોર્ડ સહિત અનેકવિધ વિભાગોના વિકાસ કામોનુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
આહવા તાલુકાના લશ્કરિયા ગામે મુખ્યપ્રધાનનો કાર્યક્રમ યોજાશે
આહવા નજીક લશ્કરિયા ખાતે યોજાનારા આ કાર્યક્રમ સાથે સંકળાયેલા જુદા જુદા વિભાગોના અધિકારીઓને કાર્યક્રમ સંબંધિત માર્ગદર્શન આપતા કલેકટરે લોકાર્પણ-ખાતમુહૂર્તના કામોની સંપૂર્ણ વિગતો સહિત મિનીટ ટૂ મિનીટ કાર્યક્રમને આખરી કરવા ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમમાં મુખ્યપ્રધાન સહિત ઉપસ્થિત રહેનારા રાજ્યના પ્રધાનો, સચિવ સહિતના ઉચ્ચાધિકારીઓ વિગેરે માટે હાથ ધરવાની થતી આનુષાંગિક કામગીરી બાબતે કલેક્ટરે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ અંગે આગલા દિવસે રિહર્સલ યોજવા સહિત, સાંપ્રત "કોરોના" ની સ્થિતિ અને તેના માર્ગદર્શક સૂચનો મુજબ મહાનુભાવો, ઉપસ્થિત રહેનારા લોકો વિગેરેની આરોગ્યલક્ષી તપાસ હાથ ધરવાની પણ સૂચના આપી હતી.
જિલ્લા પોલીસ વડાએ પણ કાર્યક્રમને અનુલક્ષીને ઉપયોગી માર્ગદર્શન આપ્યું
બેઠકમા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાએ પણ ઉપયોગી સૂચનો રજૂ કરી કર્યા હતા. કાર્યક્રમને નિર્વિઘ્ને સંપન્ન કરવા સંબંધિત વિગતો રજૂ કરી હતી. નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે પણ ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતા. બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોરે મુખ્યપ્રધાનના કાર્યક્રમ સંબંધિત મુદ્દાવાર હાથ ધરવાની કાર્યવાહીની સમીક્ષા કરી જરૂરી સૂચના આપી હતી.