ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં સુબીર તાલુકા પંચાયતની દહેર બેઠક પર ભાજપનો બિનહરીફ વિજય - કોંગ્રેસ ઉમેદવાર

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીની લડાઈ થાય તે પહેલા સેંકડો નેતાઓ સહિત હજારો કાર્યકતાઓ કોંગ્રેસને રામ રામ કરી ભાજપની કંઠી ધારણ કરી લીધી છે. આવું કરતા કોંગ્રેસમાં ઉમેદવારોનો અભાવ વર્તાઈ રહ્યો છે ત્યારે સુબીર તાલુકાની દહેર બેઠક પરના કોંગ્રેસી આયાતી ઉમેદવાર પોતાનો ઉમેદવારીના પૂરાવા આપી ન શકતા તેની ઉમેદવારી રદ થઈ ગઈ છે. આથી ભાજપ પેનલના ઉમેદવાર બિનહરીફ વિજેતા બનતા કોંગ્રેસ છાવણીમાં સન્નાટો વ્યાપી જવા સાથે રાજકીય માહોલ ગરમાયો છે.

ડાંગમાં સુબીર તાલુકા પંચાયતની દહેર બેઠક પર ભાજપનો બિનહરીફ વિજય
ડાંગમાં સુબીર તાલુકા પંચાયતની દહેર બેઠક પર ભાજપનો બિનહરીફ વિજય

By

Published : Feb 16, 2021, 9:19 AM IST

  • ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતમાં દહેર બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ
  • કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ ઈશ્વર સોલંકીના ફોર્મમાં અધૂરી વિગત હોવાને કારણે ફોર્મ રદ
  • કોંગ્રેસ પોતાનું ખાતું પણ નહીં ખોલી શકે એટલે કોંગ્રેસમુક્ત ડાંગનું સૂત્ર સાર્થક થતું દેખાય છે

ડાંગઃ ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીની લડાઈ થાય તે પહેલા સેંકડો નેતાઓ સહિત હજારો કાર્યકતાઓ કોંગ્રેસને રામ રામ કરી ભાજપની કંઠી ધારણ કરી લીધી છે.આ અંગે મળતી માહિતી અનુસાર, ચૂંટણી પ્રભારી ગણપતસિંહ વસાવા અને સહપ્રભારી અશોક ધોરજિયાની બેલડીએ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ન ભૂતો ન ભવિષ્યતિથી પ્રચંડ બહુમતી સાથે ધારાસભ્યને જીતના પ્રણેતા બનાવ્યા હતા. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પણ જવાબદારી મળતા ચૂંટણી રણસંગ્રામની રૂપરેખા ઘડી પોતાના ઉમેદવારોને વિજય બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે.

ચૂંટણી પહેલાં કોંગ્રેસના ખમતીધર નેતાઓ ભાજપમાં જોડાયા

ડાંગ જિલ્લામાં કોંગ્રેસ-ભાજપની કાંટાની ટક્કર જામે તે પહેલાં જ કોંગ્રેસના ખમતીધર અને કદાવર નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપના કેસરી રંગમાં રંગાઈ ગયા છે, એટલે હવે કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારોની અછત સર્જાઈ છે. ભાજપ દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોની પસંદગી કરી દેવાઈ છે. જ્યારે કોંગ્રેસ પક્ષમાં કોઈ ધૂરંધર નેતા બાકી ન રહેતાં ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા માત્ર જિલ્લા પંચાયતની 18 બેઠક માટે મોડે મોડે નામ જાહેર કરી ઉમેદવારીપત્ર ફોર્મ ભર્યા હતા. જ્યારે ત્રણેય તાલુકા પંચાયતમાં નામો જાહેર કર્યા વગર ફોર્મ ભરતાં ડાંગ કૉંગ્રેસની સ્થિતિ કફોડી બની હતી.

સુબીર તાલુકાની દહેર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર પુરાવા રજૂ ન કરી શક્યા

સોમવારે ઉમેદવારપત્રકની ચકાસણીના સમયે સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ઓળખાતા સુબીર તાલુકાના દહેર બેઠકના આયાતી કોંગ્રેસી ઉમેદવાર પ્રદીપ સોલંકીના ફોર્મમાં પોતે મતદારયાદીમાં નામ ન હોવા છતાં અધૂરી વિગતો ભરતાં જરૂરી પૂરાવાઓ રજૂ ન કરી શક્યા હતા. આથી તેમની ઉમેદવારી રદ થઈ હતી. એટલે ચૂંટણી પહેલાં જ ભાજપને સુબીરની દહેર બેઠક બિનહરીફ મળતા ડાંગ ભાજપીઓ ગેલમાં આવી ગયા છે.

દહેર બેઠક ઉપર ભાજપ ઉમેદવાર બિનહરીફ

ડાંગ જિલ્લામાં સુબીર તાલુકાની દહેર બેઠક ઉપર ભાજપના રઘુનાથ સાવળે ચૂંટણી પહેલા જ બિનહરીફ થતા ભાજપે વિજ્યોત્સવ ઉજવ્યો હતો. જ્યારે કોંગ્રેસ છાવણીમાં યોગ્ય ઉમેદવારના અભાવે ચૂંટણી પહેલાં જ મોટો આંચકો સહન કરવાનો વારો આવ્યો હતો.

સુબિર તાલુકામાં કોંગ્રેસે આહવા તાલુકાનાં આયાતી ઉમેદવાર જાહેર કર્યો હતોઃ ભાજપ

આ સંદર્ભે ભાજપ ચૂંટણી પ્રભારી અશોક ધોરજિયાએ જણાવ્યું હતું કે, ખાડે ગયેલા કોંગ્રેસ પક્ષમાં કોઈ સ્થાનિક ઉમેદવાર ન મળતા આયાત કરેલા ઉમેદવારને ઊભો રાખી બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. દહેર બેઠક પર સ્થાનિક મતદારયાદીમાં નામ ન હોવા છતાં આયાતી ઉમેદવારને મેન્ડેડ આપ્યું હતું. આથી તેનું ઉમેદવારીપત્રક રદ થતા ભાજપનો ઉમેદવાર રઘુનાથ સાળવે બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. કોંગ્રેસ આગામી દિવસોમાં પોતાનું ખાતું પણ ખોલાવી શકશે નહીં. આથી કોંગ્રેસમુક્ત ડાંગનો સૂત્ર સાર્થક થતો હોય તેમ જણાય રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details