ડાંગ: જિલ્લાની LCBની ટીમે આહવા તાલુકાનાં બોરખલ ગામેથી બાઇક ઉઠાવી નાસી છુટેલ બે તસ્કરોને ઝડપી પાડ્યા હતા. તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા અસામાજિક તત્વોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બોરખલ ગામે રહેતા મંગળુભાઈ સોમાભાઈ બાગુલ.જેને રોજીંદા કામ પતાવી ગુરુવારે પોતાની હોન્ડા એક્ટિવા બાઇક.ન.જી.જે.30.બી.5367ને સાંજના સાતેક વાગ્યાનાં અરસામાં ઘરનાં આંગણામાં પાર્ક કરી હતી. બાદમાં તમામ પરિવારના સભ્યો રાત્રીના દસેક વાગ્યાનાં અરસામાં સુઈ ગયા હતા, સવારે આ પરિવારે ઉઠીને જોતા ઘરનાં આંગણામાં એક્ટિવા બાઇક દેખાઈ ન હતી.
આ એક્ટિવાની શોધખોળ પરિવારનાં સભ્યોએ આસપાસનાં ગામડાઓમાં પણ કરતા એક્ટિવા મળી ન હતી,અંતે એક્ટિવા માલિકે શુક્રવારે એક્ટિવા ચોરીની ફરિયાદ આહવા પોલીસ મથકે નોંધાવી હતી. આ ફરીયાદનાં આધારે તુરંત જ આહવા એલ.સી.બીનાં.પી.એસ.આઈ.પી.એચ.મકવાણાની પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી,તેવામાં આહવા એલ.સી.બીની પોલીસ ટીમને બાતમી મળી હતી કે, બે યુવાનો સફેદ કલરની એક્ટિવા ઉપર સવાર થઈ આહવા તરફ આવી રહ્યાં છે. જે એક્ટિવા ઉપર સવાર બન્ને યુવાનોને ડાંગ એલ.સી.બી.પોલીસની ટીમે ઉભા રાખી પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ ન આપી ગલ્લા તલ્લા કર્યા હતા.
અહીં પોલીસની ટીમે કડકાઈ દાખવતા આ બન્ને બાઇક તસ્કરો નામે દિનેશભાઇ પારયાભાઈ દેસાઈ રે.કાકશાળા તા.સુબીર તેમજ સુલેમાન ગણપત બરડે રે.કલમવીહીર તા.આહવા જી.ડાંગનાઓએ એક્ટિવા બોરખલ ગામેથી ચોરી કરી લાવ્યા હોવાનું કબલ્યુ હતુ.
આ સંદર્ભે આહવા એલ.સી.બી.પી.એસ.આઈ.પી.એચ.મકવાણાએ આ બન્ને બાઇક તસ્કર યુવાનોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.