આહવાઃ ડાંગ જિલ્લામાં હોળીના પર્વની ઉજવણી માટે આદિવાસી લોકો હાલ થનગની રહ્યા છે. જેને અનુલક્ષી આદિવાસી સમાજમાં પ્રચલિત એવા ભવાની નૃત્ય સાથે અનેક લોકો હોળીનો ફાગ ઉઘરાવવાં આહવા દરબારી મેળા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભરાતાં હાટ બજારોમાં જોવા મળી રહ્યાં છે.
ડાંગ જિલ્લાના આદિવાસીઓમાં પરંપરાગત રીતના અનેક તહેવારો ઉજવવામાં આવે છે. જેમાં સૌથી મોટો તહેવાર હોળીનો છે. હોળીની ઉજવણી ખુબજ ધામધૂમથી કરવામાં આવે છે. હોળી તહેવાર પહેલાં મજૂરી કામે ગયેલા લોકો પોતાના વતનમાં પાછા ફરે છે. હોળી પહેલાં ડાંગના ગામડાઓમાં ઠેરઠેર હાટ બજાર ભરાય છે. આ દરેક હાટ બજારોમાં વર્ષોથી ચાલી આવતી પ્રથા ભવાની નૃત્ય જોવા મળે છે.
ડાંગી આદિવાસીઓમાં ભવાની નૃત્યથી હાટ બજારોમાં ફાગ માંગવાનો રિવાજ અમુક લોકો માતાજીના માસ્ક સાથે અને વિવિધ વેશભૂષાઓ કરી હાટ બજારોમાં ફાગ માગતાં નજરે ચડે છે. ડાંગનું પારંપારિક વાદ્ય કાહલ્યા અને સાંભળ્યાંનાં તાલ પર નાચ કરી ગીતો ગાતાં લોકો બજારમાં ફરે છે. શિવરાત્રીનાં મેળાથી આ નૃત્ય ચાલું થઈ જતું હોય છે, પણ હોળી પહેલાં ખાસ અહીંના બજારોમાં ફરીને ફાગ માંગવાનો રિવાજ છે.
આ ભવાની નૃત્ય જ્યારે હાટ બજારમાં થતું હોય ત્યારે આસ્થા ધરાવનારાં લોકો દેવીને નમન કરીને આશીર્વાદ મેળવે છે. ભવાની નૃત્ય કરી બજારમાં ફરનારા લોકોએ જણાવ્યું હતું કે, આ પરંપરાગત આદિવાસી નૃત્ય નહીં પણ દેવીના પ્રત્યે તેઓની ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે. જેથી અન્ય આદિવાસી લોકો પણ દેવીનો આશીર્વાદ મેળવે છે. હોળી પર્વનાં હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે, ત્યારે દરેક બજારોમાં આ નૃત્ય જોવા મળી રહ્યું છે.