દંડકારણ તરીકે પ્રખ્યાત ડાંગ જિલ્લાના આહવામાં ભાગવત કથા ચાલી રહી છે. ત્યારે આહવાના નગરજનો અને આજુબાજુના ગ્રામ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ભાગવત કથામાં ભાગ લઈ રહ્યા છે. ભાગવત કથાકાર પૂ.પ્રફુલભાઈ શુક્લ જણાવે છે કે, ડાંગની સંસ્કૃતિએ ભારત વર્ષની અસ્મિતાનું કેન્દ્ર છે. હિંન્દુસ્તાનના મૂળ દર્શન ડાંગમાં થાય છે.
દંડકેશ્વર મંદિરે ભાગવત કથા દરમિયાન પૂજય પ્રફુલભાઈ શુક્લએ શ્રોતાઓને સામાજિક દુષણો દૂર કરી બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનને આગળ વધારવા હાંકલ કરી હતી. સાથે સાથે દીકરીઓના જન્મનો દર ઓછો થઈ રહ્યાનું જણાવી ચિંતા વ્યક્ત કરી હતી.
ડાંગના આહવા ખાતે દંડકેશ્વર મંદિરમાં ભાગવત કથાનું આયોજન દીકરીઓના જન્મના દર વિશે બીજા રાજ્યો કરતા ગુજરાતની સ્થિતિ સારી છે. પરંતુ થોડા વર્ષોથી દીકરીઓના જન્મનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. જે આપણા માટે લાલબત્તી સમાન છે. ભાગવત કથામાં ઉપસ્થિત તમામ શ્રોતાઓએ બેટી બચાવવા માટે સંકલ્પ લીધો હતો. તેમજ દિકરીઓનું પ્રમાણ વધે તેવા પ્રયાસ કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે દીકરીના જન્મને વધાવવા અનુરોધ કર્યો હતો.
આહવા દંડકેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે. આ દંડકેશ્વર મહાદેવ મંદિરનો મહિમા અનેરો છે. આહવાના ભાવિક ભક્ત નંદુભાઈ જણાવે છે કે, 55 વર્ષમાં આ પહેલી ભાગવત કથા દંડકેશ્વર મહાદેવ મંદિરમાં થઈ રહી છે. જેનો લાભ દરેક આહવાના નગરજનોએ લીધો છે. આ ભાગવત કથાનો લાભ લઈ ભક્તો આનંદ અનુભવી રહ્યા છે.