ડાંગ: "કોવિડ-19"ની કામગીરી સંદર્ભે તાજેતરમાં જિલ્લા કલેકટર એન.કે. ડામોર તથા જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા તથા જિલ્લા આયુર્વેદ હોસ્પિટલ દ્વારા મંદિર ફળિયું, ભરવાડ ફળિયું, મુખ્ય બજાર સહિત આસપાસના વિસ્તારોમા સઘન કામગીરી હાથ ધરવામા આવી છે.
ડાંગના વઘઇ ખાતે આયુર્વેદિક દવાઓનું વિતરણ કરાયુ
ડાંગ જિલ્લાના મુખ્ય વેપારી મથક વઘઇ ખાતે મંદિર ફળિયામાં તાજેતરમાં સામે આવેલા એક "કોરોના" પોઝેટિવ કેસ ને ધ્યાને લઇ, જિલ્લા પ્રશાસને સલામતી અને સતર્કતા સાથે ડોર ટુ ડોર કામગીરી હાથ ધરી છે.
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સહિત આયુષ નિયામકની કચેરીના દિશાનિર્દેશ અનુસાર "કોરોના" સંક્રમણને આગળ વધતું રોકવા માટે "રોગ પ્રતિકારક શક્તિ" વધારતી આયુર્વેદિક ગોળી "શમશમની વટી", તથા "અમૃતપેય ઉકાળા"નું આ વિસ્તારોમાં વિતરણ કરી પ્રજાજનોની રોગ પ્રતિકારક શકિત વધારવાના પ્રયાસો હાથ ધરાયા છે.
સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈદ્ય, (પંચકર્મ) બર્થા પટેલ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર આ વિસ્તારોમાં 515 ડ્રાય ઉકાળાના પેકેટ્સ સહિત 550 પેકેટ્સ "શમશમની વટી"નું આયુર્વેદ/હોમીઓપેથીક દવાખાના સહિત સરકારી આયુર્વેદિક હોસ્પિટલના કર્મયોગીઓ દ્વારા વિતરણ કરાયું છે.