ડાંગ: સુબિર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જાગૃત આદિવાસી જન એકતા સંગઠન દ્વારા 5 ગામોમાં નેટવર્ક સમસ્યા હલ કરવા બાબતે કલેકટરને આવેદન આપ્યુ હતુ.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા સુબિર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં નેટરવર્ક સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 21 મી સદીનાં ડિજિટલ યુગમાં લોકોને ફોન કોલ કરવાનાં પણ વાંધા પડી રહ્યા છે.
આ વિસ્તારનાં ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાતની વાતો પોકળ સાબિત થઈ રહી છે. કોરોના મહામારીનાં કારણે હાલ શાળા કોલેજો બંધ હાલતમાં છે.
તેમ છતા સરકારનાં પ્રયાસ થકી ઓનલાઇન શિક્ષણ માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે પણ અહી નેટવર્ક અને વીજળીની સમસ્યાઓનાં કારણે આ વિસ્તારમાં ઓનલાઇન શિક્ષણ મળવુ મુશ્કેલ છે.
ઓનલાઇન શિક્ષણની વાતો તો દૂરની રહી પણ નેટવર્ક સમસ્યા હોવાના કારણે લોકો ઇમરજન્સી સેવાઓનો પણ લાભ મેળવી શકતા નથી.
થોડા સમય પહેલા ખોખરી ગામે જીવલીબેન મોતીરામભાઈ નામક મહિલાનું સર્પદશના કારણે મોત નીપજ્યુ હતુ. કારણ ફક્ત નેટવર્ક સમસ્યાનાં પગલે ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સને કોલ ના થઇ શક્યો અને આ મહિલા સમયસર હોસ્પિટલમાં ન પહોંચતા મોતને ભેટી હતી.