આહવાઃ ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત સોમવારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યા બાદ ગાંધીનગરથી પોતાના ઘરે આવ્યાં છે. કાર્યકરોનાં વિરોધને લીધે ડાંગના ભૂતપુર્વ ધારાસભ્ય મંગળભાઈને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
ડાંગ જિલ્લાના ભૂતપુર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ETV BHARAT સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ડાંગમાં પ્રજાલક્ષી કામો ન થવાને કારણે મેં રાજીનામું આપ્યું છે. ડાંગના વિકાસના કામોમાં પાકા રસ્તાઓને રિસર્ફેજ કરવા માટેની મેં દરખાસ્ત કરી હતી. તેમજ મોટા પુલો બાંધવા માટે મૌખિક અને લેખિતમાં રજૂઆતો કરી હતી. વાંગણ, સુપદહાડ અને કુંમારબંધ ગામે ચોમાસા દરમિયાન ભારે વરસાદમાં આ ગામો સંપર્ક વિહોણા બને છે અને લોકોની અવરજવર અટકે છે. જેથી પ્રજાનો વિકાસ રૂંધાય છે. આ પ્રશ્ન બાબતે પ્રભારી મંત્રી અને સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાંય તેમને મંજૂર કરવામાં આવ્યા નથી.