ડાંગ: ગુજરાત રાજ્યમાં કોરોનાનાં કેસોનો આંકડો દિવસને દિવસે વધી રહ્યો છે. હાલ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 14,468 છે. સાથે કોરોનાના કારણે મૃત્યુદરમાં પણ વધારો થઇ રહ્યો છે. કોરોનાના કારણે રાજ્યમાં 888 લોકોનાં મોત નીપજ્યાં છે. ત્યારે કોરોનાના કહેરમાં ગુજરાતના છેવાડે આવેલું એકમાત્ર ડાંગ જિલ્લા સિવાય તમામ જિલ્લાઓ કોરોનાગ્રસ્ત બન્યા છે. ડાંગ જિલ્લામાં નોંધાયેલ 3 પોઝિટિવ કેસો રિકવર થઇ જતા ડાંગ જિલ્લો કોરોના મુક્ત જિલ્લો બન્યો છે.
ગુજરાત રાજ્યના છેવાડે આવેલું ડાંગ જિલ્લો જ્યાં આદિવાસીઓની સૌથી વધુ વસતી જોવા મળે છે. આ જિલ્લામાં લગભગ 25 દિવસ પહેલા 3 પોઝિટિવ કેસો સામે આવ્યા હતા. જે ત્રણેય કેસો સુરત સાથે સંબંધ ધરાવતી નર્સ યુવતીઓ હતી. ડાંગ જિલ્લામાં 25 દિવસ અગાઉ કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવતા જ તંત્રએ તાત્કાલિક ધોરણે કોરોના પોઝિટિવ કેસોને સી.એચ.સી કોવિડ કેર સેન્ટરમાં આઇસોલેટ કરવામાં આવ્યા હતા.
અહી 14 દિવસ બાદ આ યુવતીઓનો રિપોર્ટ નેગેટીવ આવતા અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ જણાતા તેઓને રજા આપવામાં આવી હતી. જો કે આ ત્રણેય યુવતીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ હોવા છતાં તેઓમાં કોઇ પણ કોરોનાનાં પોઝિટિવ ચિહ્નો દેખાયા ન હતા. છતાં તકેદારીનાં ભાગરૂપે ડાંગ વહીવટી તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ યુવતીઓનાં રહેણાંકની આસપાસનો 3 કિ.મિનાં ત્રિજ્યામાં આવતા વિસ્તારને કન્ટેન્ટમેંટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો.