ગુજરાત

gujarat

ETV Bharat / state

આહવા નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા 2ના ઘટનાસ્થળ પર મોત

ડાંગ જિલ્લાનાં હિંદળા ગામનાં બાઇક સવાર સગા ભાઈઓ ટ્રક ચાલકની બેદરકારીનાં પગલે મોતને ભેટ્યા હતા. જ્યારે તેની એક બહેનને ગંભીર ઇજાઓ થતા તેને હૉસ્પિટલમાં 108 મારફતે દાખલ કરવામાં આવી છે.

ડાંગ
ડાંગ

By

Published : Jun 22, 2020, 7:11 PM IST

આહવા: ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે ટ્રકચાલક દ્વારા ટ્રક આડેધડ ચલાવી બાઇક સવારોને અડફેટમાં લેતા ઘટના સ્થળે એક યુવાન સહિત એક તરુણનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે બાઇકમાં સવાર તરુણીને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેણીને આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ આજ રોજ ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાના હિંદળા ગામનાં એક જ કુટુંબનાં ત્રણ સગા ભાઈ બહેનો મોટરસાઇકલ નંબર જી.જે.15.એ.પી.1466 ઉપર સવાર થઈ આહવા તાલુકાનાં પીંપરી ખાતેની હાઈસ્કૂલમાં ધોરણ 10ની માર્કશીટ લેવા જઈ રહ્યા હતા. તે અરસામાં વહીવટી મથક આહવા ખાતેનાં મુખ્યમાર્ગનાં ભરકાદેવી સેન્ટર નજીક એક ટ્રકના ચાલકે ગફલતભરી રીતે હંકારી બેધ્યાન બની આ બાઇક સવારોને અડફેટમાં લેતા ઘટના સ્થળે બાઇક ચાલક રોહિતભાઈ ભવાનભાઈ ચૌધરી, (ઉ.વ.18) તેમજ વિવેકભાઈ હર્ષદભાઈ ચૌધરી (ઉ.વ 17)ને શરીરનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું.

અકસ્માતનાં બનાવમાં આ બન્ને ભાઈઓની બહેનો રોશનીબેન ભવાનભાઈ ચૌધરી(ઉ.વ. 15)ને પણ નાની મોટી ઇજાઓ પહોંચવાની સાથે તેણીનો બચાવ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.

ટ્રક ચાલકની બેદરકારીનાં પગલે એક જ કુટુંબનાં બન્ને જુવાનજોગ સગા ભાઈઓ કાળનો કોળીયો બની મોતને ભેટતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવાની સાથે શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. આ અકસ્માતનાં બનાવ સંદર્ભે મૃતકોનાં પિતા દ્વારા આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આહવા પોલીસે ટ્રકનો કબ્જો મેળવી ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details