આહવાઃ ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં એક ગામમાં 15 વર્ષની દીકરીનાં લગ્ન થઈ રહ્યા છે. આ મુજબની માહિતી આપતો એક કોલ 181 મહિલા હેલ્પલાઇન ડાંગ ટીમને મળતા અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક પણે લગ્ન સ્થળે પહોંચીને બાળલગ્ન અટકાવવામાં સફળ રહી હતી. અહીં દીકરીની 15 વર્ષની ઉંમર આધારકાર્ડમાં દર્શાવેલ હોવાથી લગ્ન ન થઈ શકે તેમ જણાવતા બંને પક્ષ મંજૂર થતા પુખ્ત વય થતા સુધી આ લગ્ન મોકૂફ રાખ્યા હતાં.
ડાંગમાં અભયમ 181 મહિલા હેલ્પલાઇને ટીમે બે બાળલગ્ન અટકાવ્યાં - બાળ લગ્ન એ કુરિવાજ
ડાંગ જિલ્લાની અભયમ 181 મહિલા હેલ્પલાઇનની ટીમે સુબીર અને આહવા તાલુકામાં બે બાળલગ્ન અટકાવી સફળ કામગીરી કરી હતી.
અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ બાળલગ્ન થાય છે, જેના અવાર નવાર કિસ્સાઓ ધ્યાનમાં આવે છે, આવો જ એક બીજો કિસ્સો આહવા પાસેનાં ગામમાં બાળલગ્નની વિધિ થઈ રહી છે, તેમ માહિતી મળતા અભયમ ટીમ ડાંગ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઉપસ્થિત મહેમાનો અને વર-કન્યાનાં માતા પિતાને સમજાવ્યા હતાં.
આ અંગે અભયમ ટીમે બંને પક્ષને જણાવ્યું કે, બાળ લગ્ન એ કુરિવાજ છે, જે કાયદા વિરુદ્ધ ગુનો બંને છે, હમણાં આ લગ્ન મુલતવી રાખો અને બંનેની પુખ્ત વય થતા લગ્ન કરી શકશો, આમ વિગતે માર્ગદર્શન આપતાં બાળલગ્ન મોકૂફ રાખાયા હતા. આ કિસ્સામાં રસપ્રદ બાબત એ હતી કે કન્યા સગીર વયની છે, જેના લગ્ન થતા તેમના પરિવારમાંથી જ વિરોધ થયો હતો.