ડાંગઃ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે રહેતાં મયંક જગતાપ હાલ ધોરણ-9માં અભ્યાસ કરી રહ્યો છે. સરકારી ખેતી વાડી ઉચ્ચતર માધ્યમિક શાળા વઘઇ ખાતે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની શાળા લોકડાઉનના કારણે બંધ છે, ત્યારે આ વિદ્યાર્થી ઘરે બેસીને પોતાનો અભ્યાસ કરી રહ્યો છે અને આ સાથે જ નાનપણથી કલાત્મક પ્રવૃત્તિઓમાં રસ ધરાવનારા મયંકે લોકડાઉનના સમયનો સદુપયોગ કરીને યૂટ્યૂબ ઉપર માટીની મૂર્તિ બનાવવા માટે વીડિયો જોયા બાદ પોતે જ ઘર નજીક આવેલા ડુંગરોમાંથી માટી લાવીને ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું હતું. શાળામાં પણ કલાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મયંકે માટીમાંથી સુંદર ગણેશજીની મૂર્તિઓનું નિર્માણ કર્યું છે.
કોરોના કાળ વચ્ચે ધોરણ-9ના વિદ્યાર્થીએ માટીમાંથી ગણેશજીની સુંદર મૂર્તિઓ બનાવી - કલાત્મક પ્રવૃત્તિઓ
ડાંગ જિલ્લાના વઘઇમાં ધોરણ-9માં ભણતાં વિદ્યાર્થીએ માટીમાંથી ગણેશજીની મૂર્તિઓ બનાવી છે. કહેવાય છે ને કે, કળા ઉપર કોઈનો ઇજારો હોતો નથી. આ કહેવત સાચી કરી બતાવી છે વઘઇના આ વિદ્યાર્થીએ... જે કલાત્મક પ્રવૃત્તિઓમાં નાનપણથી જ રસ ધરાવતો હતો. અત્યારે લોકડાઉનના કારણે શાળાઓ બંધ છે, ત્યારે ઘરે બેસીને વાંચન સિવાય અન્ય સમય દરમિયાન યૂટ્યૂબ ઉપર વીડિયો જોઈને આ વિદ્યાર્થીએ માટીમાંથી ગણેશજીની મૂર્તિઓનું નિર્માણ કર્યું છે.

નાનપણથી જ કલાત્મક પ્રવૃત્તિઓમાં રસ ધરાવનારા મયંકે જ્યારે નાનો હતો, ત્યારે તેની માતા તેને સાથે જ રાખતી હતી. તે નાનપણમાં પણ માતા સાથે ઘઉંના લોટમાંથી મૂર્તિ બનાવવાનું કાર્ય ચાલું જ રાખતો હતો. સમય જતાં મયંકનો આ શોખ ખૂબ વિકસ્યો. શાળાની ઇત્તર પ્રવૃત્તિઓ પણ તે ઉત્તીર્ણ આવે છે. મયંકના પિતા રાજુભાઇ મોટર વાઇરીંગનું કામ કરી રહ્યા છે. હાલ તહેવારોની ઉજવણી ઘરે બેસીને કરવાની છે, ત્યારે પોતાના ઘરમાં જ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવાનું છે.
માટીમાંથી બનાવેલી મૂર્તિ ઘર આગળ જ વિસર્જિત કરી શકાય છે. જેના માટે બહાર જવાની જરૂર હોતી નથી. લોકડાઉનને કારણે ઘરમાં જ તહેવારોની ઉજવણી કરવાની છે, ત્યારે એક નવા વિચાર સાથે મયંકે જાતે જ માટીમાંથી કલાત્મક ગણેશજીની મૂર્તિઓનું નિર્માણ કર્યું છે. આ પહેલાં તેઓ દર વર્ષે બજારમાંથી મૂર્તિઓ લાવીને ઘરમાંથી ગણપતિના તહેવારની ઉજવણી કરતાં હતાં ,પણ હાલ કોરોના મહામારીનો કારણે મયંકને માટીમાંથી મૂર્તિ બનાવવાનો વિચાર આવ્યો અને તેનાં માતા પિતાએ મયંકને પ્રોત્સાહન આપ્યું. મયંકે માટીમાંથી સુંદર ગણેશજીની મૂર્તિઓનું નિર્માણ કરતાં તેઓ ગર્વ અનુભવે છે.