ડાંગ: દક્ષિણ રેંજના શામગહાન ફોરેસ્ટ બીટમાં સમાવિષ્ટ માનમોડી ગામમાં અંગ્રેજોના સમયનું ફોરેસ્ટ વિભાગના તાબા હેઠળનું ગેસ્ટ હાઉસ બનાવવામાં આવેલું છે. 1922-23 ના વર્ષમાં બનાવવામાં આવેલું આ રેસ્ટ હાઉસ હાલ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે.
અંગ્રેજોના સમયની આ વિરાસતને સાચવવા માટે કોઈ ચોકીદાર પણ રાખવામાં આવેલો નથી. લગભગ ત્રણ વર્ષ પહેલાં જ અહીંના ચોકીદારને છૂટો કરતાં હાલ તેની કાળજી રાખવાનાર કોઈ નથી.
માનમોડી ગામના લોકોના જણાવ્યા અનુસાર ત્રણ વર્ષ પહેલાં ચોકીદાર હોવાના કારણે આ ગેસ્ટ હાઉસ ખુબજ સારી કન્ડિશનમાં જોવા મળતું હતું. પણ બાદમાં આ ગેસ્ટ હાઉસની ફરતે દિવાલ બન્યાં બાદ ચોકીદારને છૂટો કરવામાં આવ્યો જે બાદ અહીંની વસ્તુઓ પણ ગાયબ થવા લાગી હતી. 2014ની લોકસભાનાં ઇલેક્શન તરીકે આ જ ગેસ્ટ હાઉસ ખાતે પોલિગ બુથ બનાવવામાં આવ્યું હતું.
ગામનાં યુવા આગેવાન મહેન્દ્રભાઈ ગાવીત જણાવે છે કે ડાંગ જિલ્લામાં અંગ્રેજોના સમયમાં ઘણાં ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ આવેલ છે. માનમોડી ગામ નજીકના માલેગામ, સાપુતારા વગેરે ફોરેસર ગેસ્ટ હાઉસની જાળવણી વ્યવસ્થિત રીતે થાય છે તથા ત્યાં સહેલાણીઓ પણ મુલાકાતે જતાં હોય છે. ત્યારે માનમોડી ગામના ગેસ્ટ હાઉસની સારસંભાળ પણ લેવામાં આવે તો અહીં ટુરિઝમ પણ ડેવલપ કરી શકાય છે.
આ બાબતે શામગહાન રેંજના RFO પ્રસાદભાઈ પાટીલ જોડે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે માનમોડી ગામનું ગેસ્ટ હાઉસ ઘણાં વર્ષ જૂનું હોવાના કારણે તેનો હેરીટેજમાં સમાવેશ કરવા ઉપરાંત તેની મરામત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાણાકીય મદદ બાદ આ અંગે કામગીરી કરવામાં આવશે.