- ભાજપ-કોંગ્રેસનાં કાર્યકર્તાઓ AAPમાં જોડાયાં
- ભાજપ-કોંગ્રેસથી નારાજ કાર્યકર્તાઓ AAPમાં જોડાયાં
- 40થી વધુ કાર્યકર્તાઓ જોડાયાં AAP પક્ષમાં
ડાંગ : પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લો જે કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પરંતુ કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત કોંગ્રેસનો હાથ છોડીને કેસરિયો ધારણ કરી લેતાં ડાંગમાં ભાજપ ની લહેર છવાઈ હતી. જે તમામ કોંગ્રેસનાં નેતાઓ ભાજપમાં જોડાઈ ગયાં હતાં, પરંતુ હાલ ત્રીજા પક્ષ તરીકે ઉભરી રહેલી આમ આદમી પાર્ટીમાં ભાજપ-કોંગ્રેસનાં નેતાઓ જોડાઈ રહ્યા છે.
પ્રમુખ મનીષ મારકણાની ઉપસ્થિતમાં 40 કાર્યકર્તાઓ AAPમાં જોડાયાં
આજે બુધવારે જિલ્લાનાં મુખ્યમથક આહવા ખાતે દક્ષિણ ગુજરાત સહ સંગઠન મંત્રી શનિભાઈ કીકાણી અને ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ મનીષ મારકણાની ઉપસ્થિતમાં ડાંગનાં અલગ અલગ ગામડાંઓનાં 40થી વધુ ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયાં હતાં.
ડાંગ જિલ્લામાં ત્રીજા પક્ષ તરીકે જનતા સ્વીકારશે કે કેમ ?
ડાંગ જિલ્લામાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય કોઈપણ પક્ષનાં ઉમેદવાર વિજેતા બન્યા નથી. ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ઉમેદવાર મળવા મુશ્કેલ બન્યાં હતા. પાર્ટી દ્વારા માંડ જિલ્લાની 6 તેમજ તાલુકાની 4 સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યાં હતાં. જે તમામ ઉમેદવારોની કારમી હાર થઈ હતી, પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા સમયાંતરે પ્રજાનાં પ્રશ્નો ઉઠાવવામાં આવે છે. જેની પ્રેરણા લઈ ભાજપ-કોંગ્રેસથી પરેશાન થઈ ગયેલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હાલ ડાંગ જિલ્લામાં ભાજપની લહેરમાં કોંગ્રેસનાં સુપડાં સાફ થઈ ગયાં છે, ત્યાં આમ આદમીનાં ઉમેદવારનોને પ્રજા ચૂંટશે કે કેમ તે અંગે પ્રશ્નો ઉદભવે છે.