ગુજરાત રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં 34મો વાર્ષિક રમોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ રમોત્સવમાં કોલેજના FY, SY, TY અને B.comના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. રમતોત્સવમાં સામુહિક અને વ્યક્તિગત રમતો યોજવામાં આવી હતી. જેમાં રસ્સાખેંચ, વોલીબોલ અને કબડ્ડી જેવી સ્પર્ધાઓ તેમજ વ્યક્તિગત રમતોમાં ચેસ, કેરમ, લિબું ચમચી જેવી રમતો રાખવામાં આવી હતી.
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવામાં 34મો વાર્ષિક રમોત્સવ યોજાયો
ડાંગ: સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે ગુરૂવારના રોજ 34મો વાર્ષિક રમોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે આહવા કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ જુદી-જુદી રમતોમાં ભાગ લીધો હતો. રમોત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો સાથે રમતો દ્વારા સુમેળ ભર્યા સંબધો બનાવવાનો હતો.
કોલેજના પી.ટી.આઈ. પ્રોફેસર મહેસૂરિયા હિતાક્ષીબેને જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાની ગોલ્ડન ગર્લ તરીકે પ્રખ્યાત સરિતા ગાયકવાડે દેશ અને દુનિયામાં ડાંગનું નામ રોશન કર્યું છે, ત્યારે આહવા કોલેજના વિદ્યાર્થીઓ પણ આગળ વધી રહ્યા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ રમોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ કોલેજના વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરે છે. આ વર્ષે પવાર પ્રવીણભાઈએ ઓલ ઇન્ડીયા ઇન્ટર યુનિવર્સિટી હોકી સ્પર્ધામાં ગ્વાલિયર ખાતે ભાગ લીધો હતો.
કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, તેઓને કોલેજ દ્વારા રમતોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન મળે છે. જેના કારણે તેઓ નેશનલ લેવલ સુધી ભાગ લઈ શકે છે. આહવા કોલેજના 34માં વાર્ષિક રમોત્સવમાં ભાગ લઈ જીત મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.