- 173 ડાંગ વિધાનસભા બેઠક આદિવાસી બેઠક તરીકે અનામત છે
- ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 9 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં
- બીટીપી 1 અને 6 અપક્ષ ઉમેદવારો લડશે પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી
ડાંગ પેટા ચૂંટણી: 173 વિધાનસભા બેઠક પર ભાજપ -કોંગ્રેસ સહિત કુલ 9 ઉમેદવારો મેદાનમાં
ડાંગ જિલ્લાની 173 વિધાનસભા બેઠક માટે મેદાને ઉતરનાર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ કોંગ્રેસ સહિત કુલ 9 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય પક્ષનાં ઉમેદવાર મુખ્ય પક્ષનાં ઉમેદવારોને કેટલું નુકસાન પહોંચાડશે એ તો પરિણામ જ બતાવશે. જોકે દરેક પક્ષ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે.
ડાંગઃ ડાંગ જિલ્લાની 173 વિધાનસભાની બેઠક આદિવાસી બેઠક તરિકે અનામત છે. 19 ઓકટોબરે ઉમેદવારો માટે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી. હવે આ બેઠક ઉપર ઉમેદવારી કરનાર કુલ હરીફ ઉમેદવારોનો આંકડો સામે આવ્યો છે. જેમાં ભાજપ કોંગ્રેસ સહિત કુલ 9 પક્ષનાં ઉમેદવારો મેદાનમાં છે.
1961ના ચૂંટણી સંચાલન અંગેના નિયમોના નિયમ -10(1) મુજબ ડાંગ 173 વિધાનસભાની આદિવાસી બેઠક ઉપરના હરીફ ઉમેદવારોની યાદી.
1. વિજયભાઈ પટેલ - ભાજપ
2. સૂર્યકાન્ત ગાવીત - કોંગ્રેસ
3. ગામીત બાપુભાઈ - ભારતીય ટ્રાઇબલ પાર્ટી
4. ગામીત જિતેન્દ્રભાઈ -અપક્ષ
5. દિનેશભાઇ હાડળ - અપક્ષ
6. ચિરાગકુમાર પટેલ - અપક્ષ
7. મનુભાઈ ભોયે - અપક્ષ
8. યોગેશભાઈ ભોયે - અપક્ષ
9. મુકેશભાઈ વાડેકર - અપક્ષ
- બેઠકનો આ છે રાજકીય ઇતિહાસ
ગુજરાત વિધાનસભાની 173 ડાંગ આદિવાસી બેઠક 2007 થી અસ્તિત્વમાં આવી આ પહેલાં 1975થી આ બેઠક ડાંગ- વાંસદા બેઠક તરીકે જાણીતી હતી. આ બેઠક ઉપર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. જ્યારે ફક્ત એકવાર ભાજપ આ બેઠક ઉપર સફળ રહ્યો છે. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવેલા મંગળભાઈ ગાવીતે પોતાનું રાજીનામું આપ્યાં બાદ આ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. પોતાના રાજીનામાં બાદ મંગળ ગાવીતે પક્ષપલટો કરી કેસરિયો ધારણ કરી લીધો છે. આ સાથે જ બન્ને પાર્ટીઓ મેદાનમાં છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ મુખ્ય પક્ષના ઉમેદવારો ઉપર અન્ય પાર્ટી અને અપક્ષનાં ઉમેદવારો પર કેટલાં ભારે પડે છે.