ગુજરાત

gujarat

ETV Bharat / state

સાંસદ મોહન ડેલકરના આત્મહત્યા પ્રકરણમાં જેનું નામ ઉછળ્યું છે તે પ્રફુલ પટેલ છે કોણ ?

સાંસદ મોહન ડેલકરના આત્મહત્યા મામલે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દિવના પ્રશાસક પ્રફુલ પટેલ સામે મુંબઈના મરીન ડ્રાઇવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જે બાદ આ પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. પ્રશાસક પ્રફુલ પટેલે કેન્દ્રશાસિત પ્રદેશમાં કઈ રીતે અધિકારીઓ, હોદ્દેદારો, લિકર માફિયાઓ પર પોતાનું એક હથ્થુ શાસન ચલાવ્યું તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વાંચો આ વિશેષ અહેવાલમાં પ્રફુલ પટેલની રાજકીય રાજનેતાથી લઈને પ્રશાસક સુધીની સફર.

સાંસદ મોહન ડેલકરના આત્મહત્યા પ્રકરણમાં જેનું નામ ઉછળ્યું છે તે પ્રફુલ પટેલ છે કોણ ? વાંચો આ અહેવાલ
સાંસદ મોહન ડેલકરના આત્મહત્યા પ્રકરણમાં જેનું નામ ઉછળ્યું છે તે પ્રફુલ પટેલ છે કોણ ? વાંચો આ અહેવાલ

By

Published : Mar 12, 2021, 7:19 PM IST

  • પ્રશાસક પ્રફુલ પટેલ સામે મુંબઈમાં ફરિયાદ
  • મુંબઈના મરીન ડ્રાઇવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
  • મોહન ડેલકરની આત્મહત્યા મામલે ફરિયાદ નોંધાઈ
  • મોહન ડેલકરના પુત્ર અભિનવે કરી ફરિયાદ
  • કોલેજને હસ્તગત કરવા, ધાકધમકી આપી કનડગત કરવા સહિતના મુદ્દે ફરિયાદ

દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દિવના પ્રશાસક તરીકે કાર્યભાર સંભાળતા પ્રફુલ પટેલ સામે મુંબઈના મરીન ડ્રાઈવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદ દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરને આત્મહત્યા માટે મજબૂર કરવા, તેની કોલેજને હસ્તગત કરવા, ધમકી આપી કનડગત કરવા સહિતના મુદ્દે ડેલકરના પુત્ર અભિનવે કરી છે. જેને લઈને હાલ રાજકારણ ગરમાયુ છે.

પ્રથમ પ્રશાસક તરીકે પ્રફુલ પટેલની નિમણૂક કરવામાં આવી

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ 26મી જાન્યુઆરી, 2020ના રોજ એક પ્રશાસન હેઠળ આવ્યું છે. જેના પ્રથમ પ્રશાસક તરીકે પ્રફુલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. પ્રફુલ પટેલ મૂળ ગુજરાતના હિંમતનગરના વતની છે. જે 12 મી વિધાનસભા (2007–12) માટે ગુજરાતના હિંમતનગરમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા તે સમયગાળા દરમિયાન તેમણે ગુજરાતના ગૃહપ્રધાન તરીકે સેવા આપી હતી.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દિવના પ્રશાસક પ્રફુલ પટેલ સામે મુંબઈના મરીન ડ્રાઇવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

દાદરા નગર હવેલી, દમણ અને દિવના પ્રશાસક છે પ્રફુલ પટેલ

પ્રફુલ પટેલને પ્રથમ વખત વર્ષ 2016માં 29મી ઓગસ્ટના સંઘપ્રદેશ દમણ અને દીવના 16માં એડમિનિસ્ટ્રેટર તરીકે, જ્યારે સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીના 29માં પ્રશાસક તરીકે 30 મી ડિસેમ્બર, 2016 ના રોજ હવાલો સોંપ્યો હતો. કેન્દ્રિય પ્રદેશોના ઇતિહાસમાં પ્રફુલ પટેલ રાજકીય રીતે નિયુક્ત પ્રથમ એડમિનિસ્ટ્રેટર હતા. આવા હોદ્દા અગાઉ ભારતીય વહીવટી સેવા અધિકારીઓએ જ રાખ્યા હતા. જ્યારે હાલમાં પ્રફુલ પટેલ દાદરા નગર હવેલી અને દમણ અને દિવના પ્રશાસક ઉપરાંત 05 ડિસેમ્બર, 2020થી લક્ષ્યદ્વિપ કેન્દ્રશાસિત પ્રદેશના સંચાલક તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળે છે.

આ પણ વાંચોઃમોહન ડેલકરના સમર્થનમાં પ્રફૂલ પટેલના પૂતળાનું દહન, મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

અનેક રાજકીય આગેવાનોની કારકિર્દી ખતમ કરી નાખી

દાદરા નગર હવેલી, દમણ અને દિવમાં પ્રફુલ પટેલની નિમણૂક બાદ આ પ્રદેશમાં સતત રાજકીય માહોલ ગરમાતો રહ્યો છે. એક તરફ આ પ્રદેશમાં કરોડોના વિકાસના કાર્યો હાથ ધરી પ્રદેશને નવી દિશા આપી છે. બીજી બાજુ સ્થાનિક લોકોની અનેકરીતે કનડગત કરી હિટલર શાહી પ્રશાસનનો પરચો બતાવ્યો છે. અધિકારીઓ પર એક હથ્થુ શાસન અમલમાં લાવી અનેક રાજકીય આગેવાનોની કારકિર્દી ખતમ કરી નાખી હતી. વિકાસના નામે કેટલાય ગરીબોને બેઘર બનાવ્યા હતા અને અનેક વખત તેમની સામે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. દર વખતે પ્રફુલ પટેલે પોતાની સત્તાનો દુરુપયોગ કરી વિરોધના સુરને ડામી દેવામાં સફળતા મેળવી હતી.

લિકર માફિયાને જેલ ભેગો કર્યો, ઉદ્યોગપતિઓને સલામ મારતા કર્યા

પ્રફુલ પટેલ સામે જેણે પણ બાંયો ચઢાવી તેમને જેલમાં જવું પડ્યું છે અથવા તેમના ઈશારે સમાધાન કરવું પડ્યું છે. દમણમાં એક સમયે કોંગ્રેસી નેતા ડાહ્યા પટેલ અને તેમના પુત્ર કેતન પટેલનું એકચક્રી શાસન હતું. જેને પ્રફુલ પટેલે ઘૂંટણીએ પાડી દીધા હતા. લિકર માફિયા અને દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુખા પટેલને જેલના સળિયા પાછળ ધકેલી તેના કારોબારને ખતમ કર્યો હતો. સુખા પટેલના ભાઈ રમેશ માઈકલના લિકરના ગોડાઉનો પર દરોડા પડાવી તેને ભાગતો કર્યો છે. સ્થાનિક ભંગારિયાઓ હોય કે પછી ઉદ્યોગપતિઓ પ્રફુલ પટેલે તમામને પોતાની આવડતનો પરચો બતાવી પોતાની સામે સલામ મારતા કરી દીધા છે.

આ પણ વાંચોઃસાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસ: યોગ્ય તપાસ અને પ્રશાસક પ્રફુલ હટાવવાની માગ

મોહન ડેલકર તેમના સૌથી મોટા પ્રતિસ્પર્ધી હતા

દમણની જેમ દાદરા નગર હવેલીમાં પણ પ્રફુલ પટેલે પોતાના કડક મિજાજનો પરચો બતાવી સ્થાનિક ભાજપના નેતા ફતેહસિંહ ચૌહાણની કોલેજના કેટલાક ભાગ પર બુલડોઝર ફેરવી તે જમીન પરથી રિંગરોડ પસાર કરી કોલેજને 2 ભાગમાં વંહેંચી દીધી છે. દાદરા નગર હવેલીમાં આદિજાતિના અધિકારના હિમાયતી અને લોકસભાના સાંસદ મોહન ડેલકર તેમના માટે સૌથી મોટા પ્રતિસ્પર્ધી હતાં. એટલે તેમણે મોહન ડેલકરને પણ તાબામાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતાં અને અહીંથી જ મોહન ડેલકર સાથે તેમના સંબંધો બગડ્યા હતા.

16 પાનાની સ્યૂસાઇડ નોટમાં પ્રફુલ પટેલનું નામ

મોહન ડેલકર સાથેના પ્રફુલ પટેલના કાવતરા અંગે વાત કરતા પહેલા પ્રફુલ પટેલનું નામ ડેલકરની આત્મહત્યામાં કેમ ઉછળ્યું તેની વાત કરીએ. ડેલકર તેમના એક સમર્થકની અદાલતમાં સુનાવણીમાં હાજરી આપવા માટે મહારાષ્ટ્ર ગયા હતા. પરંતુ સોમવારે 22 ફેબ્રુઆરી, 2021ના ​​રોજ મુંબઇની હોટલ સી-ગ્રીન સાઉથમાં તેમનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સાથે જ 16 પાનાની સ્યૂસાઇડ નોટ મળી હતી. જેમાં રાજકારણીઓ અને વહીવટી અધિકારીઓને તેમણે "અન્યાય", "અપમાન" અને "પક્ષપાત" માટે જવાબદાર ઠેરવ્યા હતા અને તેમાં પ્રથમ નામ પ્રફુલ પટેલનું હતું.

પ્રફુલ પટેલ તરફથી કોઈપણ નિવેદન હજુ સુધી આવ્યું નથી

ઉલ્લેખનીય છે કે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દિવમાં જે રીતે પ્રશાસક પ્રફુલ પટેલે પોતાની તાનાશાહી ચલાવી છે. તે જ પ્રકારે આ પ્રદેશમાં કેન્દ્ર સરકારના આશીર્વાદથી તેમના શાસનકાળમાં મેડિકલ કોલેજ, આરોગ્યની ઉત્તમ સુવિધા, શિક્ષણ માટે નવી શાળાઓ, ઉદ્યોગો માટે મુક્ત વેપાર પદ્ધતિ, પ્રવાસન ક્ષેત્રે બીચ, બગીચા ઐતિહાસિક ધરોહર સમાન જોવા લાયક સ્થળોની કાયાપલટ કરવા સાથે અનેક વિકાસના કાર્યો કરી સંઘપ્રદેશને એક નવી દિશા પણ આપી છે. મોહન ડેલકર હત્યા પ્રકરણમાં પ્રફુલ પટેલ તરફથી કોઈપણ નિવેદન હજુ સુધી આવ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details