સુરત-મુંબઇ વચ્ચે સૌથી વધુ રેલવેને કમાણી કરાવી આપતું વાપી રેલવે સ્ટેશન A ગ્રેડનો દરજ્જો ધરાવે છે. વર્તમાન આવક વિશે ETV ભારત સાથે વાત કરતા વાપી રેલવે સ્ટેશનના ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ પ્રદીપ અહિરે કે, હાલમાં આ માસ દરમિયાન 50 હજાર મુસાફરોનો વધારો થયો છે. લાંબા અંતરના રૂટમાં જેવા કે દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર તરફના રૂટમાં જ 20 હજાર મુસાફરોનો વધારો નોંધાયો છે.
ઉનાળું વેકેશનમાં વાપી રેલવે સ્ટેશનને રોજની 30 લાખની આવક વધી વાપી રેલવે સ્ટેશન પર 83 ટ્રેનના સ્ટોપેજ છે જેમાં વેકેશનને ધ્યાને રાખી હોલી ડે સ્પેશ્યલ ટ્રેનના પણ 24 સ્ટોપેજ અપાયા છે. જે મળી કુલ 107 જેટલા ટ્રેનના સ્ટોપેજ અપાયા છે. તેમ છતાં મુસાફરોનો ધસારો દિવસે-દિવસે વધી રહ્યો છે. મેં મહિનામાં રેલવેને અત્યાર સુધીમાં 30 લાખની વધારાની આવક થઈ છે. રિઝર્વેશન કાઉન્ટર પર અને ટીકીટ બારી પર રોજે રોજ મુસાફરોનો ધસારો જોવા મળે છે. જેને પહોંચી વળવા ખાસ ATVM (ઓટોમેટિક ટીકીટ વેન્ડિંગ મશીન) ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પિક અવર્સમાં તમામ વિન્ડોઝ પર પૂરતો સ્ટાફ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.
વાપી રેલવે સ્ટેશને નોર્મલ દિવસોમાં રોજની 7 લાખ આસપાસની આવક થતી હતી. તે, હાલ 10 લાખના આંકડે પહોંચી છે. જેમાં નોર્થ તરફનો ટ્રાફિક સૌથી વધુ છે. વાપી અને તેની આસપાસનો વિસ્તાર ઔદ્યોગિક ઝોનમાં આવે છે. જેમાં મોટાભાગે પરપ્રાંતીય લોકો નોકરી ધંધા અર્થે સ્થાઈ થયેલા છે. આ લોકો હાલ વેકેશનના સમયગાળામાં પોતાના વતન જતા હોય છે. જેને કારણે વાપી રેલવે સ્ટેશને મુસાફરોનો રોજનો ધસારો વધી રહ્યો છે. સામાન્ય દિવસોમાં વાપી રેલવે સ્ટેશને રોજના 12 હજાર મુસાફરોનું આવાગમન હોય છે જે હાલ 15 હજાર મુસાફરોના આવાગમન સુધી પહોંચ્યું છે. પ્રદીપ આહિરના જણાવ્યા મુજબ મુંબઇ તરફથી આવતી તમામ ટ્રેનમાં હાલમાં 85 ટકા જેટલું બુકિંગ એકલા વાપીનું છે.
ઉલ્લેખનીય છે કે, વાપી રેલવે સ્ટેશને તમામ ટ્રેનો મુંબઇ કે અમદાવાદ તરફથી અવગમન કરતી ટ્રેનના સ્ટોપેજ છે. વાપી થી લાંબા અંતરની કોઈ ટ્રેન ઉપડતી નથી. જો વાપીથી લાંબા અંતરની ટ્રેન ઉપડે તો હાલનો જે ટ્રાફિક છે તે ડબ્બલ થઈ શકે તેમ છે. તદ્ઉપરાંત નાસિક અને શિરડી જવા માટે વાપીથી કોઈ જ ટ્રેન નથી. નાસિક શિરડી જવા માટે યા તો બાય રોડ જવું પડે છે અથવા મુંબઈથી જવું પડે છે. જો આ સુવિધા અહીં ઉપલબ્ધ થાય તો લાખો મુસાફરોને તેનો ફાયદો મળી શકે તેમ છે. અને રેલવેની આવકમાં કરોડોનો વધારો થઈ શકે તેમ છે. હાલ વાપી રેલવે સ્ટેશને મુસાફરો માટે નવા શેડ બનવાનું અને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે દાદરની સુવિધા સાથે એસકેલેટરની સુવિધા પૂરી પાડવાની કામગીરી પણ હાથ ધરી છે.