- વાપીમાં હવામાનમાં પલટા બાદ કમોસમી વરસાદ
- દાદરા નગર હવેલી અને દમણમાં પણ માવઠું
- વહેલી સવારથી વાતાવરણમાં આવ્યો પલટો
વાપી: વલસાડ જિલ્લાના વાપી સહિત ઉમરગામ તાલુકામાં અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં શુક્રવારે વાતાવરણમાં આવેલા પલટાને કારણે કમોસમી વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી લઈને 11 કલાક સુધી સતત વરસતા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.
વાપી સહિત સંઘપ્રદેશ સેલવાસ-દમણમાં ધોધમાર કમોસમી વરસાદથી જનજીવન પ્રભાવિત ધીમીધારે અને ધોધમારે વરસ્યો વરસાદ
સમગ્ર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 2 દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે, તો હવામાન વિભાગે પણ માવઠું થવાની આશંકા વ્યક્ત કરી હતી. જે શુક્રવારે ખરી સાબિત થઇ હતી. શુક્રવારે વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
શિયાળુ પાકને નુકસાનની ભીંતિ
વહેલી સવારે 6 કલાક આસપાસ અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ ઝરમર વરસાદ શરૂ થયો હતો. જે 10 કલાકની આસપાસ ધોધમાર સ્વરૂપે વરસ્યો હતો. વરસાદી માહોલને કારણે સર્વત્ર ઠંડક પ્રસરી હતી. મુખ્ય માર્ગો પર પાણી વહ્યા હતાં તો ઘરના નેવેથી નેવાધાર શરૂ થઈ હતી. શિયાળાની ફુલગુલાબી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ વરસતા કેટલાક બાગાયત પાકોને જીવનદાન મળ્યું છે. તો કેટલાક શિયાળુ પાકને નુકસાન થવાની ભીંતિ ખેડૂતો માટે ચિંતાનું કારણ બની છે. જો કે, માવઠાને લઈને સમગ્ર પંથકમાં જનજીવન પ્રભાવિત થયું હતું.