નારગોલ (વલસાડ): નિસર્ગ વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના દરિયા કિનારાના ગામોમાં અને દમણમાં ભારે તારાજી સર્જી શકે છે. તેવું અનુમાન હાલ વિસરાઈ રહ્યું છે. કારણ કે 11 વાગ્યા સુધીમાં દમણના તટ વિસ્તારમાં ત્રાટકનાર વાવાઝોડું સાંજના 5 વાગ્યા સુધી કોઈ નુકસાની સર્જી શક્યું નથી. આ વાવાઝોડાને કારણે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પણ ખાનાખરાબી સર્જાય તેવી દહેશતને ધ્યાને રાખીને વહીવટીતંત્રએ સંપૂર્ણ તૈયારી કરીને રાખી છે.
જો કે ઉમરગામ તાલુકાના નારગોલ ગામના લોકો માટે નિસર્ગ નામના આ વાવાઝોડાએ ગત વર્ષની યાદ તાજી કરી છે. આ અંગે નારગોલ ગામના માજી સરપંચ યતીન ભંડારીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે માત્ર સાત મિનિટ માટે આવેલા વાવાઝોડામાં મોટી સંખ્યામાં તારાજી સર્જી હતી. સાત મિનિટમાં કેટલાય વૃક્ષો ધરાશાયી થયા હતા અને કાંઠાળ પટ્ટીના ગામના કાચા મકાનોના પતરા હવામાન ફંગોળાયા હતા. ખેતીવાડીમાં પણ નુકસાન થયું હતું અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારોને પણ નુકસાન થયું હતું.