દમણઃ સંઘપ્રદેશ દમણ લોકડાઉનના દિવસો અને અનલોકના દિવસો દરમિયાન ગ્રીન ઝોનમાં રહ્યા બાદ આખરે કોરોનાની ઝપેટમાં આવ્યું છે. દમણમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હવે તંત્ર હરકતમાં આવ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈની હોવાનું કલેકટર રાકેશ મીન્હાસે જણાવ્યું હતું.
કોરોનાના કહેરને મ્હાત આપવા પહેલા બોર્ડર સિલ કરી, કામદારોને બહાર જતા અને ગુજરાતના લોકોને દમણમાં પ્રવેશતા અટકાવવા સહિત અનેક નીતિ નિયમો લાગુ કરી ઝડબેસલાક કિલ્લાબંધી બાદ પણ આખરે 9મી જૂને દમણમાં કોરોના પોઝિટિવના 2 દર્દીઓ નોંધાતા દમણ પ્રશાસનમાં હડકંપ મચ્યો છે.
દમણમાં નોંધાયેલા બન્ને કેસ અંગે કલેકટર રાકેશ મીન્હાસે વિગતો આપતા જણાવ્યું હતું કે જે બે કેસ સામે આવ્યાં છે, જેમાં એક પુરુષ અને એક બાળકી સામેલ છે. બંનેને હાલ મરવડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. આ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈની છે. મુંબઈથી આવ્યા બાદ તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં હતાં. બાદમાં તેમના સેમ્પલ લેતા બે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.
દમણમાં કોરોનાના 2 પોઝિટિવ કેસ નોંધાયા - કોરોનાવાઈરસ ન્યૂઝ
ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેવામાં દમણમાં કોરોના વાઈરસના બે પોઝિટિવ કેસ નોંધાયા છે.
કોરોના પોઝિટીવ દર્દીઓ દમણના મીટનાવાડ અને ખારીવાડના રહીશ છે. હાલ બંનેના ઘર આસપાસના વિસ્તારને ડિસઇન્ફેક્શન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ જે તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં કલેકટર, પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે મુલાકાત લઈ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે દમણમાં લોકડાઉન લાગ્યું ત્યારથી લઈને અત્યાર સુધીના 76 દિવસમાં એકપણ કોરોના કેસ નોંધાયો નહોતો. તે માટે પ્રશાસને કડક વલણ અપનાવ્યું હતું, પરંતુ તે બાદ પણ આખરે કોરોનાએ દમણને પોતાની ઝપેટમાં લીધું છે. હાલ 2 કેસ પોઝિટિવ આવ્યા બાદ વધુ કેસનો રાફડો ન ફાટે તે માટે તંત્રએ તાકીદના પગલાં લેવાની શરૂઆત કરી છે.