દમણ :દમણમાં દર વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે બીચ પર દરિયા કિનારે પતંગ ઉડાડવા સાથે ફરવાની અને ખાણીપીણીની મોજ માણવા પ્રવાસીઓના ઘાડેધાડા ઉમટે છે, ત્યારે આ વર્ષે કોરોના ગાઈડલાઈનને કારણે વિક એન્ડ કરફ્યુથી અજાણ પ્રવાસીઓએ દમણમાં આવી વીલા મોઢે પરત ફરવું (Tourists returned From Daman) પડ્યું છે.
મકરસંક્રાંતિ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણ બીચ પર ફરવા આવે છે
દમણમાં વિક એન્ડ કરફ્યુથી અજાણ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દમણ બીચ પર ફરવા આવતા હજારો પ્રવાસીઓએ વીલા મોડે પરત ફરવું પડ્યું છે. દમણમાં દર વર્ષે મકરસંક્રાંતિ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણ બીચ પર ફરવા આવે છે. આ વર્ષે પણ વાપી, વલસાડ અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ મકરસંક્રાંતિ પર્વ અને શનિ-રવિની રજાને ધ્યાનમાં રાખી દમણ બીચ પર ફરવા આવ્યા હતાં. પરંતુ અહીં વિક એન્ડ કરફ્યુ હોય શુક્ર, શનિ અને રવિ એમ 3 દિવસ માટે બીચ પર પોલીસ પહેરો ગોઠવી પ્રવાસીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે, જેનાથી પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી હતી.
શોખીનોએ મુખ્ય માર્ગ પર જ બિયરના ટીન સાથે સેલ્ફી પડાવી
પ્રવાસીઓના જણાવ્યા મુજબ, તહેવારનો દિવસ અને હાલમાં શાળાઓમાં પણ રજા હોય બાળકો સાથે ઉત્તરાયણની મજા કરવાના આશયથી દમણ આવેલા પરંતુ હવે પરત ફરી રહ્યા છીએ, તો કેટલાક યુવાનો છેક મધ્યપ્રદેશથી દમણમાં ફરવા આવેલા જેઓએ પણ બીચ પર ફર્યા વિના જ પરત ફરવું પડ્યું હતું. જો કે વિક એન્ડ કરફ્યુ હોય દમણમાં માત્ર દારુ પીવા આવેલા શરાબ શોખીનોએ વાઇન શોપ કે બારની સામે મુખ્ય માર્ગ પર જ બિયરના ટીન સાથે સેલ્ફી પડાવી પાર્ટીના માહોલમાં પર્વની મજા માણી હતી.