- કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાય દમણની મુલાકાતે
- ગૃહ રાજ્યપ્રધાને શ્રમયોગી નિવાસની મુલાકાત લીધી
- આવાસમાં કામદારોને અપાતી સુવિધાથી અવગત કરાયા
દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની 2 દિવસીય મુલાકાતે આવેલા ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે દમણના રીંગણવાળા ખાતે શ્રમયોગી આવાસની મુલાકાત લીધી હતી. આ સમયે દમણના પ્રશાસક પ્રફુલ પટેલે શ્રમયોગી આવાસમાં કામદારોને અપાતી સુવિધાઓથી અવગત કર્યા હતાં.
દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલે કર્યું ઉમળકાભેર સ્વાગત
ગુરુવારે દમણની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયનું દમણ પ્રશાસને ઉમળકા ભેર સ્વાગત કરી આવકાર્યા હતાં. પ્રશાસક પ્રફુલ પટેલ અને સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરી નિત્યાનંદ રાય દમણના વિકાસના પ્રોજેકટની મુલાકાતે નીકળ્યા હતાં. જેમાં પ્રશાસક પ્રફુલ પટેલ સાથે દમણના રીંગણવાળા ખાતે ઉદ્યોગોના કામદારો માટે સુવિધા સજ્જ શ્રમયોગી નિવાસની મુલાકાત લીધી હતી.
'શ્રમયોગી નિવાસ' ગરીબોની સેવાનું સાક્ષાત ઉદાહરણ છે સુવિધા સજ્જ શ્રમયોગી આવાસ અંગે આપી માહિતી દમણ પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવેલા શ્રમયોગી નિવાસમાં દમણના ઉદ્યોગોમાં કામ કરતા કામદારોને ઉત્તમ સુવિધા સાથેના રૂમ ભાડા પર આપવામાં આવે છે. દમણમાં હજારો કામદારો અસુવિધાયુક્ત અને ગંદકીથી ખદબદતી ચાલીઓમાં વસવાટ કરતા હોવાનું ધ્યાને આવ્યા બાદ તેમના માટે આ સુવિધા સજ્જ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યા છે. જે કામદારોને નજીવા ભાડા સાથે રહેવા અપાય છે. તે અંગે પ્રશાસક પ્રફુલ પટેલે ગૃહ રાજ્યપ્રધાનને અવગત કર્યા હતાં.
ગરીબોની સેવાનું ઉત્તમ ઉદાહરણ એટલે શ્રમયોગી આવાસ
ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે શ્રમયોગી આવાસની મુલાકાત લઈ તેમાં રહેતા કામદારો સાથે વાર્તાલાપ કર્યો હતો અને દમણ પ્રશાસન તેમજ મોદી સરકારે કરેલા આ ઉત્તમ કાર્યની સરાહના કરી ગરીબો માટે મોદી સરકાર જે સેવા કરે છે તેનું આ સાક્ષાત ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું. નિત્યાનંદ રાયે દેશના અન્ય રાજ્યમાં પણ આ પ્રકારની સુવિધા ગરીબ કામદારોને ઉપલબ્ધ થાય તેવી આશા પણ વ્યક્ત કરી હતી.