દિવાળી બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દક્ષિણ ગુજરાતમાં બુધવારે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં સેલવાસમાં 70થી 80 વર્ષ જુના પોર્ટુગીઝ શૈલીનું બાંધકામ ધરાવતા પબ્લિસિટી ઓફિસના છાપરા ઉડ્યા હતાં.
સેલવાસમાં ભારે પવન સાથે વરસાદમાં સરકારી ઓફિસને મોટાપાયે નુકસાન ભારે પવન સાથે વરસેલા વરસાદ દરમિયાન પબ્લિસિટી ડિપાર્ટમેન્ટમાં કર્મચારીઓ જ હાજર હતાં. પરંતુ, સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી. ભારે પવન સાથે વરસતા વરસાદથી મકાનના છાપરા ઉડી જતા pop સહિતનો કાટમાળ ઓફિસમાં પડ્યો હતો. જે દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સરસામાન અને સ્ટોર રૂમમાં રાખેલા મહત્વના દસ્તાવેજો દબાઈ ગયા હતાં. જેના પર વરસાદી પાણી પડતા તમામ સરસામાન કાટમાળમાં ફેરવાઈ ગયો હતો.
તે જ રીતે પબ્લિસિટી ઓફીસ નજીક આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પણ કમોસમી વરસાદે તારાજી સર્જી હતી. અહીં, પણ મહત્વની ચીજવસ્તુઓ કાટમાળમાં ફેરવી નાખી હતી. જો કે, હાલ સરકારી વિભાગ સમગ્ર ઘટના અંગે નુક્સાનીનું આંકડો તારવી રહ્યું છે. જે બાદ જ સાચો આંકડો બહાર આવશે. પરંતુ, સદનસીબે કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
બુધવારે બપોર બાદ વરસેલા ભારે પવન સાથેના વરસાદમાં સેલવાસ ઉપરાંત દમણ અને દક્ષિણ ગુજરાતના વલસાડના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ તબાહી સર્જી હતી અને મુખ્ય માર્ગો પર ઝાડ પડવા, છાપરા ઉડવા સહિતના બનાવોએ લોકોમાં ગભરાટનું મોજું ફેલાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પબ્લિસિટી ડિપાર્ટમેન્ટનું મકાન પોર્ટુગીઝ સમયનું છે. આશરે 70 થી 80 વર્ષ જુના આ મકાનમાં વર્ષો પહેલા નગરપાલિકાનું કાર્યાલય કાર્યરત હતું. જે બાદ નવી નગરપાલિકાનું સંકુલ બનતા પોર્ટુગીઝ શૈલીના વારસાનું આ મકાન પબ્લિસિટી ડિપાર્ટમેન્ટમાં ફેરવ્યું હતું. જેને બુધવારે પવનદેવ અને વરુણદેવે કાટમાળમાં ફેરવી નાખ્યું છે.