- દમણનો આજે મુક્તિ દિવસ
- 1961માં દમણ પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયુ હતું
- 6 દાયકામાં દમણે ખૂબ પ્રગતિ કરી છે
દમણ: 19મી ડિસેમ્બરે સંઘપ્રદેશ દમણના 60મા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોટી દમણ જેટી પર કરવામાં આવેલી ઉજવણી પ્રસંગે દમણ કલેકટર રાકેશ મીનહાસના હસ્તે તિરંગાને સલામી આપવામાં આવી હતી. કલેકટરે 60માં મુક્તિ દિવસની ઉજવણી પ્રસંગે દમણવાસીઓને શુભેચ્છા પાઠવી પ્રશાસને અત્યાર સુધીમાં કરેલા વિકાસના કાર્યો અને આવનારા સમયમાં થનારા વિકાસના કાર્યોની રૂપરેખા આપી હતી.
દમણ કલેકટરે તિરંગાને સલામી આપી
દમણના 60મા મુક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રશાસન દ્વારા મોટી દમણ જેટી પર વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. 60મા મુક્તિ દિવસ નિમિત્તે સરકારી અધિકારીઓ, દમણ સાંસદ સાહિતના રાજકીય પદાધિકારીઓ, નાગરિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓની ઉપસ્થિતિમાં દમણ કલેકટર રાકેશ મીનહાસે રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી હતી અને દમણ પર પોર્ટુગીઝ શાસન કઈ રીતે સ્થપાયું તેના પહેલા કોનું શાસન હતું તે અંગે ઇતિહાસના પ્રસંગોને પોતાના વક્તવ્યમાં વર્ણવ્યા હતા.
મુક્તિ દિવસની શુભકામના પાઠવી
તિરંગાને સલામી આપ્યા બાદ કલેકટરે પ્રજાજોગ સંબોધન કર્યું હતું. જેમાં દમણમાં પ્રવાસન્નક્ષેત્રે, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે નાગરિકોની સુખાકારી માટે પ્રશાસને હાથ ધરેલા કરોડોના પ્રોજેકટની રૂપરેખા પ્રસ્તુત કરી હતી.