ગુજરાત

gujarat

ETV Bharat / state

દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદનું રાજીમાનું તેમનો વ્યક્તિગત નિર્ણય : ભાજપ

કેન્દ્રશાસિત દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપે 3 વર્ષમાં થયેલા વિકાસની યશગાથા વર્ણવી દાદરા નગર હવેલીના સાંસદે કરેલા આક્ષેપો અને રાજીનામાનો નિર્ણય વ્યક્તિગત હોવાનું જણાવ્યું છે.

dadra nagar haveli
દાદરા નગર હવેલી

By

Published : Jul 10, 2020, 8:47 AM IST

દમણ: સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણેય સંઘપ્રદેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકાર અને સ્થાનિક પ્રશાસને દરેક ક્ષેત્રે કરવામાં આવેલા વિકાસની યશગાથા વર્ણવી હતી. જ્યારે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદે કરેલા ગંભીર આક્ષેપો અને રાજીનામાના નિર્ણયને તેમનો પોતાનો અંગત નિર્ણય ગણાવ્યો હતો અને તે અંગે કંઈપણ કહેવાનું ટાળ્યું હતું.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દિવ પ્રદેશ ભાજપ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકાર, સ્થાનિક પ્રશાસન દ્વારા શિક્ષણથી લઇને આરોગ્ય સુવિધાના દરેક ક્ષેત્રમાં થયેલો વિકાસ તેમજ હાલમાં કોરોના મહામારીમાં લોકોએ દાખવેલી જાગૃતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર યોજનાની કરેલી જાહેરાત અંગેની રૂપરેખા રજૂ કરી હતી.

સંઘપ્રદેશ ભાજપની પત્રકાર પરિષદ

પત્રકાર પરિષદને સંબોધતા દમણના સાંસદ લાલુ પટેલે હાલની કોરોના મહામારી જલ્દીથી દૂર થાય તે આશા સાથે દેશમાં અને પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે, સ્થાનિક પ્રશાસને કરેલા વિકાસના કાર્યોની યોજનાઓને વખાણી હતી. આવનારા દિવસોમાં પણ એજ ગતિએ વિકાસ આગળ વધે તે માટે વડાપ્રધાનની આત્મનિર્ભર યોજનાની સરાહના કરી હતી. કોરોના મહામારી પ્રદેશમાં વકરી રહી છે. તેમ છતાં પ્રશાસન અને આરોગ્ય વિભાગ ખૂબ જ મહત્વની જવાબદારી નિભાવતું હોવાનું પણ લાલુ પટેલે જણાવ્યું હતું. જ્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે પ્રસાશનનો સહયોગ મળતો ન હોવાના અને હેરાન પરેશાન કરવામાં આવતા હોય લોકસભા સત્રમાં રાજીનામુ આપી દેવાની કરેલી જાહેરાત ને તેમનો પોતાનો અંગત નિર્ણય ગણાવી તે અંગે કશું પણ બોલવાનું ટાળ્યું હતું.

સંઘપ્રદેશ ભાજપના અધ્યક્ષ દીપેશ ટંડેલે જણાવ્યું હતું કે, પ્રદેશમાં 5700 આદિવાસીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો, 4800 આદિવાસીઓને જમીનના હક્ક, દાદરા નગર હવેલીમાં 34થી વધારે ચેકડેમોનું નિર્માણ, ઘરે-ઘરે શુદ્ધ પીવાના પાણી માટે 300 કરોડની પેયજળ યોજના, 1500 જેટલા ગરીબ આદિવાસીઓને માત્ર દસ રૂપિયા ચાર્જ સાથે વીજ જોડાણ, દમણમાં માછીમાર ભાઈઓ માટે મત્સ્ય સંપદા યોજના જેમાં આવનારા દિવસોમાં એક ફેડરેશન બનાવીને દીવની 1200 બોટ અને દમણની 200 જેટલી નાની મોટી બોટ માટે કોલ્ડ સ્ટોરેજ, ફીસ પ્રોસેસીંગ યુનિટ, કોલ્ડ સ્ટોરેજ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવશે. પ્રદેશના MME સેક્ટરના નાના 2767 જેટલા ઉદ્યોગકારોને 126 કરોડની લોન, કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી ત્રણેય સંઘપ્રદેશના અઢી લાખથી વધુ ખેડૂતોના ખાતામાં બે લાખ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. પ્રદેશમાં 271 પ્રાથમિક શાળાઓનું નવીનીકરણ તો દાદરાનગર હવેલીના ખાનવેલ, નરોલી અને દાદરા જેવા ગામોમાં નવી અંગ્રેજી માધ્યમની શાળાઓનું નિર્માણ સહિતની કામગીરી કરવામાં આવી છે.

ભાજપના પદાધિકારીઓએ સંઘપ્રદેશમાં થઈ રહેલા વિકાસના કામોનો તમામ શ્રેય કેન્દ્રની મોદી સરકારને અને પ્રશાસક પ્રફુલ પટેલને આપ્યો હતો. તેમજ બંને પ્રદેશોના મર્જર બાદ આવનારા વર્ષોમાં બીજા નવા વિકાસ લક્ષી પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જ્યારે દમણમાં વીજ વિભાગના થનારા ખાનગીકરણ મુદ્દે ભાજપના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, આ નિર્ણય રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવ્યો છે અને દેશની જેટલી પણ યુનિયન ટેરિટરી છે તેમાં 40 ટકા જેટલો લાઇનલોસ ચાલી રહ્યો છે. દમણમાં આ લાઈનલોસ 4 ટકા આસપાસ છે જેથી આ ખાનગીકરણના નિર્ણય સામે યોગ્ય રજૂઆત કરવામાં આવશે તો દાદરાનગર હવેલીના સાંસદ દ્વારા પ્રશાસનની જોહુકમી સામે ગંભીર આક્ષેપો કરી રાજીનામુ આપવાની કરેલી જાહેરાતને ભાજપે તેમનો અંગત નિર્ણય ગણાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details