નારગોલના કેટલાક વિસ્તાર ખાતે આવી પહોંચેલી સર્વેક્ષણ ટીમે સ્થળ નિરીક્ષણ કરીને ફટાફટ ચાલતી પકડીને બંદરના વિરોધમાં ગામ લોકો ભેગા થાય તે પહેલા અધિકારીઓ રફુચક્કર થઈ ગયા હતા. નારગોલના દરિયાની અંદર નિર્માણ પામનાર બંદરને જોડતા માર્ગ તેમજ રેલ્વે સુવિધાનો સર્વેક્ષણ માટે બુધવારે અધિકારીઓની ટીમ આવી હતી. જેમાં ખાસ કરીને વનવિભાગની જમીન વાપરવાની હોય જે માટે વન અધિકારીઓ પણ એમની સાથે ઉપસ્થિત હતા.
ચૂંટણી પૂર્વે અપાયેલા વાયદાઓ ભૂલી ઉમરગામના નારગોલમાં ફરી બંદર બનાવવા સર્વે હાથ ધરાયો
વલસાડ: બુધવારે ઉમરગામ તાલુકાના નારગોલ ગામે સવારે વનવિભાગના સ્થાનિક તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે કાર્ગો પોર્ટ લિમિટેડના જવાબદાર અધિકારીઓ નારગોલ નવા તળાવ દંડ ફળિયા નારગોલની સોનેરી ખાડી,માંગેલ વાડ તેમજ અન્ય વિસ્તારમાં કેટલાક સ્થળોએ સર્વેક્ષણના ભાગરૂપે સમીક્ષા કરીને ચાલી ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ લોક સભાના ચૂંટણી વખતે વન વિભાગ અને કાર્ગો પોર્ટ લિમિટેડ કંપનીના જવાબદાર અધીકારીઓ સર્વેક્ષણ કરવા નારગોલ ગામે આવ્યા હતા. તે દરમિયાન ચૂંટણી હોય અને ગામમાં ઘણા વખતથી નવા બંદરના નિર્માણનો સખત વિરોદ્ધ કરતા આવ્યા હોય તે સમયે આ કામગીરી મુલત્વી રાખી હતી. વધુમાં વન અને આદિજાતિ મંત્રીના વિસ્તારમાં ઉપરોક્ત બંદર સર્વેક્ષણની ટીમ ચૂંટણી ટાણે જ આવતા નારગોલ ગામના મતદાર લોકોનો રીઝવવા નેતાઓ થકી બંદર નહીં બનવા દઈએ એવા વાયદા આપ્યા પણ કર્યા હતા.
હવે ચૂંટણી પુરી થતાને થોડા દિવસોમાં ફરી બંદર બનવાનું ભૂત ધુણાતાં લોકો અચરાજ અને આક્રોશ ફેલાયો છે. જે જોતા આગામી દિવસોમાં ફરી બંદરને લઈને આ વિસ્તારમાં આંદોલન શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.