દેશના અતિ વ્યસ્ત એવા નેશનલ હાઇ-વે નંબર 8 પર આવેલા મહારાષ્ટ્રના આંબીવલીથી સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી માતાના મંદિર વચ્ચે આવતા જંગલોમાં દીપડાઓની ભરપૂર વસ્તી છે. આ જંગલમાંથી નેશનલ હાઇ-વે નંબર 8 પસાર થાય છે. શિકારની શોધમાં દીપડાઓ અવારનવાર નેશનલ હાઇ-વે નંબર 8 પર 100 થી 150 કિલોમીટરની ગતિએ ચાલતા વાહનોની વચ્ચેથી ક્રોસ થતા હોય છે. તો ઘણીવાર વાહનોની અડફેટે પણ આવતા હોય છે.
નેશનલ હાઇવે પર દીપડાને બચાવવા માર્યા નાનકડા બોર્ડ! પણ વાંચે કોણ! આ દીપડાઓની સુરક્ષા બાબતે મહારાષ્ટ્ર વનવિભાગ, નેશનલ હાઇ-વે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને IRB જેવા ખાતાઓ પહેલા શૂન્ય મસ્તકે આરામ ફરમાવતા હતા. હવે આ વિસ્તારમાં હાઇ-વે વચ્ચે શોભા સમાન વૃક્ષો વચ્ચે કેટલાક નાનકડા બોર્ડ મારી વાહનોને ધીમી ગતિએ ચલાવવાનો ઈશારો કરે છે. પરંતુ અફસોસ કે ઝાડીઓ વચ્ચે મારેલા નાનકડા બોર્ડ વાંચે કોણ ? વાહનચાલકો પુરપાટ વેગે જ નિકળી રહ્યા છે. ત્યારે, મહારાષ્ટ્ર સરકારે આ વન્ય જીવોની સુરક્ષા હેતુ પુરઝડપે દોડતા વાહનોની ગતિ પર અંકુશ લાવવો જોઈએ તેવો સવાલ ઉઠ્યો છે.
જો કે, મહારાષ્ટ્ર વનવિભાગના પ્રયાસો એક રીતે પ્રશંસાને પાત્ર છે કે, કેમ સે કમ તે વન્ય જીવ સુરક્ષા માટે જાગૃત છે. જ્યારે સરહદને અડીને આવેલા વલસાડ વનવિભાગ રેન્જ આ બાબતે ઉદાસીન છે. વલસાડ જિલ્લાના પારડી ખાતે એક વર્ષમાં 3 દીપડા વાહનોની અડફેટે આવ્યા છે. તે સિવાય પારડી, વાપી, ઉમરગામ, કપરાડા, ધરામપુર વિસ્તાર દીપડાઓનો વિસ્તાર છે.
પરંતુ અહીં આ મામલે આવી કોઈ જાગૃતિ વનવિભાગ ફેલાવતું નથી. ક્યાંક એકાદ 2 ચેતવણીના બોર્ડ મારી સંતોષ માન્યો છે. જો વલસાડ ઉત્તર અને દક્ષિણ વનવિભાગ રેન્જ પણ મહારાષ્ટ્ર સરકારની જેમ વન્ય જીવો બચાવવા મોટા ચેતવણીના બોર્ડ લગાવશે. તો જ આવનારા દિવસોમાં બચેલા 12 થી 15 દીપડા અને અન્ય વન્યજીવોને બચાવી શકશે નહીં તો, તે આ રીતે ચેતવણીના બોર્ડમાં જ જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, પર્યાવરણ બચાવો અને વન્ય જીવોની સુરક્ષા કરો, આ બધા સરકારના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. સરકાર વિકાસના નામે જંગલો કાપી, જંગલોમાંથી રસ્તાઓ બનાવી એના પર પુરઝડપે વાહનો દોડાવવાનો જે પ્રયાસ કર્યો છે. તે પર્યાવરણ અને વન્ય જીવોનો પરાણે ખાતમો કરવાનું એક મસમોટું સરકાર રચિત કાવતરું કહી શકાય.
જંગલોમાં ખેતી કરવી, જંગલો કાપીને ત્યાજ માનવ વસ્તીનો વસવાટ કરવો એ પણ પર્યાવરણ અને વન્ય જીવો માટે ખતરો જ છે. તે માટે લોકો પણ જવાબદાર છે. જો કે બચેલા જંગલોની અને તેના પર્યાવરણ અને વન્ય જીવોની સુરક્ષા કરવા વનવિભાગ તેમજ સામાજિક સંસ્થાઓ સજાગ બને તે જરૂરી છે. જો વન્ય જીવો આપણી જેમ રસ્તો ક્રોસ કરવા જમણી-ડાબી બાજુ જોવાનું સમજી શકતા હોત તો કદાચ રસ્તો ક્રોસ કરતી વખતે પોતાનો જીવ બચાવી શકત.
પરંતુ આ અબોલા જીવોને ક્યા ખબર છે કે, રસ્તો ક્રોસ કરતી વખતે પૂર ઝડપે દોડતા વાહનો અમારો જીવ લઈ શકે. આ બાબતે વન્ય જીવોની સુરક્ષા માટે સામાજિક સંસ્થાઓ આગળ આવે અને વધુમાં વધુ સાઈન બોર્ડ અને કેમેરા લગાવવા વનવિભાગ, નેશનલ હાઇ-વે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને IRB જેવા ખાતાઓ પર દબાણ લાવે તે જ આજના સમયની માંગ છે.