ગણેશ ઉત્સવનો તહેવાર સંઘપ્રદેશ દમણ, વલસાડ જિલ્લામાં ભારે ધૂમધામ પૂર્વક ઉજવાય છે. આજના આધુનિક કાળમાં તહેવારોને વિકૃત રૂપ આપીને પર્યાવરણનું જે નુકસાન કરી તેના પ્રત્યે સદંતર ઉપેક્ષા સેવીએ છીએ. ગણેશ ઉત્સવમાં વર્ષોથી લોકો માટીની નાની પ્રતિમાઓ જ સ્થાપિત કરતા હતાં. જેનું મુખ્ય કારણ એ હતું કે, આ માટીની મૂર્તિઓ પાણીમાં જલ્દીથી ઓગળી જતી હતી. પરંતુ હવે ભક્તોએ પોતાની ભક્તિને સર્વોપરી સાબિત કરવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસની પાણીમાં ન ઓગળે તેવી મજબૂત પ્રતિમાઓ સ્થાપિત કરીને ભક્તિ સાથે પર્યાવરણનો પણ નેવે મુકી દીધા જેવી પરીસ્થીતી સર્જાય છે.
હર્ષોલ્લાસ સાથે લઇ આવનાર ગણેશજીની પ્રતીમાઓ દમણના દરિયા કિનારે દયનીય હાલતમાં ગણેશોત્સવને હજુ તો માત્ર 5 જ દિવસ થયા છે, ત્યારે દમણના દરિયામાં સંઘપ્રદેશ સહીત ગુજરાતના ગણેશ ભક્તોએ ભારે હર્ષોલ્લાસ પૂર્વક અને અશ્રુભીની આંખે ગણેશ પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. તેમાંની કેટલીક મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસ અથવા તો પાણીમાં જલ્દીથી ન ઓગળે તેવી હોવાથી આ અર્ધ વિસર્જિત થયેલી પ્રતિમાઓ દરિયામાં ડૂબ્યા બાદ ફરી ઉછળતા મોજાઓની સાથે દરિયા કિનારે આવી પહોંચી છે. દમણના દરિયા કિનારે વર્ષોથી POPની ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાયા બાદ સેેંકડો મૂર્તિઓ આવી જ રીતે રઝળતી હાલતમાં મળી આવે છે. છતાં તંત્ર કે ગણેશ મંડળના આયોજકો ગંભીર બન્યા નથી. આ વર્ષે પણ દરિયા કિનારે મૂર્તિઓ રઝળતી હાલતમાં મળી આવવાનો સીલસીલો શરૂ થયો છે. બુધવારે અઢી દિવસના ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયા બાદ અનેક મૂર્તિઓ દરિયા કિનારે તણાઈ આવતા ભક્તોની લાગણી દુભાઈ છે. કેટલાક ગણેશ મંડળો દ્વારા દેખાદેખીમાં મોટી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. દસ દિવસ સુધી ગણેશ મંડપમાં આ પ્રતિમાની ભક્તિભાવ પુર્વક પૂજા કરવામાં આવે છે. પરંતુ વિસર્જનના દિવસે ગણેશજીની પ્રતિમાની દુદર્શા જોયા બાદ પણ આવા ગણેશ આયોજકોની ઉંઘ ઉડતી નથી. મૂર્તિઓની તૂટેલી હાલત આસ્થાને ઠેસ પહોંચાડે તેવી છે. વિવિધ સંસ્થાઓ અને સરકાર દ્વારા માટીના ગણપતિ, ઈકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમાની સ્થાપના કરવા માટે અનેક અભિયાન ચલાવવામાં આવે છે. છતાં પણ પ્રતિબંધિત POPની પ્રતિમાનું ચલણ હજુ પણ ઘટ્યું નથી. જે પર્યાવરણ, દરિયાઈ જીવસૃષ્ટિની સુરક્ષા માટે ચિંતાનો વિષય બની ગયો છે.