ખગોળવિજ્ઞાની ડો. જે.જે. રાવલે ભારતના ચંદ્રયાનો, આદિત્ય L-1 અને ખગોળ સંબંધિત વાતચીત કરી વાપી: ખગોળવિજ્ઞાની અને ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડો. જે. જે. રાવલના હસ્તે વાપીના વરિષ્ઠ પત્રકાર વિકાસ ઉપાધ્યાયને ‘વિજ્ઞાન પત્રકારત્વ માટે પ્રતિષ્ઠિત ‘સોહનરાજ શાહ ઍવોર્ડ’ અને સિલ્વર મેડલ ઍનાયત કરવામાં આવ્યો હતો.આ એવોર્ડ એનાયત કર્યા બાદ તેઓએ ઉપસ્થિત વિજ્ઞાનમાં રસ ધરાવતા વાપીના નાગરિકો, કોલેજના વિદ્યાર્થીઓને ભારતના ચંદ્રયાનો, આદિત્ય L-1 અને ખગોળ સંબંધિત વિસ્તૃત માહિતી પૂરી પાડી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનને લઈ મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરતો વાર્તાલાપ યોજ્યો હતો.
વરિષ્ઠ પત્રકાર વિકાસ ઉપાધ્યાયને મળેલા એવોર્ડ બદલ અભિનંદન પાઠવ્યા વિજ્ઞાનનું મહત્વ જાણવું જરૂરી: ખગોળ વિજ્ઞાની ડોક્ટર જે જે રાવલે જણાવ્યું હતું કે સૂર્ય એ આપણો આત્મા છે. સૂર્યને જાણવો ખૂબ જ જરૂરી છે. જેના માટે આદિત્ય L-1 થકી ભારતના વૈજ્ઞાનિકો તેનો અભ્યાસ કરવાના છે. ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે સતત શોધ કરવી જરૂરી છે. બુધ સૂર્યથી નજીકનો ગ્રહ મનાય છે. પરંતુ હકીકતે બીજા એવા બે ગ્રહ છે જે સૂર્યની વધુ નજીક છે. સૂર્યના પ્રકાશમાં તે આપણને દેખાતા નથી. દેશનો યુવાન ભલે ડોકટર, એન્જીનીયર કે રાજનેતા બને પરંતુ એ સાથે તેમણે વિજ્ઞાનનું મહત્વ જાણવું અને તે આપવું ખૂબ જ જરૂરી છે.
ચંદ્ર પરની માટી સંશોધનો માટે ઉપયોગી: ચંદ્રયાનના મિશન અંગે તેમણે જણાવ્યું હતું કે ચંદ્ર ઉપર પાણી છે, હાઇડ્રોજન છે, હિલિયમ છે, અને બ્રહ્માંડનો તાગ મેળવવા ચંદ્ર પર જવું જરૂરી છે. હિલિયમથી વિદ્યુત એનર્જી ઉત્પન્ન કરી શકાય છે. એટલે ચંદ્રના સંશોધન સાથે ત્યાં રહેલું હિલિયમ અંકિત કરવું ખૂબ જ જરૂરી છે. ચંદ્ર પરની માટી પણ અનેક સંશોધનો માટે ઉપયોગી છે. કેમ કે ચંદ્રની માટી 14 દિવસ ગરમ અને 14 દિવસ ઠંડી રહે છે. ચંદ્ર પર ટેલિસ્કોપ મૂકીને બ્રહ્માંડનું જો સંશોધન કરવામાં આવે તો પૃથ્વીની સરખામણીએ 50 ગણું વધુ દૂરનું આપણે જોઈ શકીએ છીએ.
ભારતના ચંદ્રયાનો, આદિત્ય L-1 અને ખગોળ સંબંધિત વાતચીત ચંદ્ર માનવ વસ્તી માટેનું મુખ્ય સ્થળ બનશે: ચંદ્ર પર આવનારા 50 વર્ષમાં કોલોની સ્થપાશે અને તે શક્ય બનશે. જેમ આપણે અમેરિકા કે અન્ય વિદેશમાં જઈએ છીએ તેવી જ રીતે લોકો ચંદ્ર પર જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે ચંદ્ર પર કોલોની સ્થાપવાથી પૃથ્વી પરનું અનેકગણું ભારણ અને સમસ્યાઓનું નિરાકરણ આવી શકે તેમ છે. વધતો વસ્તી વધારો, પાવર પ્રોબ્લેમ, પર્યાવરણના પ્રશ્નો, આતંકવાદ જેવી સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે. ભવિષ્યમાં ચંદ્ર માનવ વસ્તી માટેનું મુખ્ય સ્થળ બનશે. એ માટે ચંદ્રને સમજવો ખૂબ જ જરૂરી છે.
ચંદ્ર પર જમીનને લઈને ખુલાસો:તો હાલમાં જ કેટલાક લોકોએ ચંદ્ર પર જમીન ખરીદી હોવાની જે વાતો કરી રહ્યા છે. તે અંગે તેમણે જણાવ્યું હતું કે આ તદ્દન બોગસ છે. ચંદ્ર પર કોઈ જમીન કોઈને આપવામાં આવી નથી. અમુક લોકો દ્વારા તારાઓના અમુક નામ આપી તેનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે પણ તદ્દન બોગસ છે. હકીકતે International Astronomical Union (IAU) એવી સંસ્થા છે કે જે કોઈપણ તારાનું નામ આપી તે અંગેની જાહેરાત કરી શકે છે. અને તે સંસ્થા દ્વારા જો આવી કોઈ જાહેરાત કરવામાં આવે તો જ સાચું માનવું બાકી અન્ય સંસ્થાઓથી હમેંશા સાવધાન રહેવું જોઈએ.
વિજ્ઞાન પ્રત્યે બાળકોને માર્ગદર્શન આપવું જરૂરી: ઉલ્લેખનીય છે કે, ખગોળ વિજ્ઞાની ડો.જે.જે.રાવલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતના સંનિષ્ઠ અને વિજ્ઞાન પત્રકાર એવા વિકાસ ઉપાધ્યાયને વિજ્ઞાન પત્રકારત્વ અંતર્ગત સોહનરાજ શાહ એવોર્ડ એનાયત કર્યો છે. સોહનરાજ સાથે તેમની ઘનિષ્ઠ મિત્રતા ધરાવતા હતી. જેવો પોતે એક વિજ્ઞાન પ્રેમી હતા. જે અનુસંધાને આ એવોર્ડમાં ઉપસ્થિત રહેવાનું અહોભાગ્ય મળ્યું છે. વિજ્ઞાન પ્રત્યે બાળકોને માર્ગદર્શન આપવું જરૂરી છે. આ માટે જો વાપીના ઔદ્યોગિક સંચાલકો આગળ આવી પહેલ કરશે તો ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી અહીં આવશે અને જરૂર પડે વિજ્ઞાનને લગતા સેન્ટર સ્થાપશે.
ખગોળવિજ્ઞાની ડો. જે. જે. રાવલના હસ્તે ઍવોર્ડ વિજ્ઞાન ટેકનોલોજીના આવિષ્કારનો સારો ઉપયોગ: દેશમાં વિજ્ઞાન ટેકનોલોજી ખૂબ જ આગળ વધી રહી છે. જેની સરાહના કરતા ડૉ. જે. જે. રાવલે જણાવ્યું હતું કે વિજ્ઞાન ટેકનોલોજીના આવિષ્કારોનો સારો ઉપયોગ વિશ્વ માટે જરૂરી છે પરંતુ તેનો દુરૂપયોગ વિનાશ નોતરી શકે છે. વિશ્વમાં અનેક દેશો પાસે એટોમિક પાવર છે. જે આજે ક્યાંક ને ક્યાંક વિશ્વમાં 2 દેશો વચ્ચે શાંતિ જાળવવામાં મદદરૂપ પણ થાય છે. ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના સરાહનીય કાર્ય બદલ વાપીના શ્રી આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજના ટ્રસ્ટી મિલન દેસાઈ દ્વારા 50 હજારની ધનરાશીનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો, પદ્મશ્રી ગફુર બીલખિયા, જિલ્લાના પત્રકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ વરિષ્ઠ પત્રકાર વિકાસ ઉપાધ્યાયને મળેલા એવોર્ડ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
- Chandrayan 3 : ચંદ્ર પર સૂર્યોદય થતાં જ લેન્ડર અને રોવર ચાર્જ થવાની શરૂઆત થઈ, ISRO બંનેને સક્રિય કરી રહ્યું છે
- ISRO Aditya L1: આદિત્ય-L1 પૃથ્વીની ભ્રમણકક્ષા છોડી લેગ્રેન્જ પોઈન્ટ 1 તરફ આગળ વધ્યું