ગુજરાત

gujarat

By

Published : Nov 17, 2019, 6:14 PM IST

Updated : Nov 17, 2019, 7:13 PM IST

ETV Bharat / state

જાણો પારસીઓને આશરો આપનાર સંજાણના રાજાની યાદમાં ઉજવાતા સંજાણ ડે વિશે

સંજાણ: તેરસો વર્ષ પહેલા ઇરાનથી ભારતના સંજાણ બંદરે આવીને વસેલા પારસી સમાજે શનિવારે સંજાણ ડેની ઉજવણી કરી હતી. પારસી સમાજ માટે મહત્વનો કહેવાતો આ દિવસ એટલે એકબીજાને હળી-મળીને કીર્તિસ્તંભ ની મુલાકાત લઇ તેના દર્શન કરી આ વિસ્તારના રાજા જાદી રાણાના ઉપકારને યાદ કરવાનો દિવસ. આ દિવસ માટે બહાર ગામથી આવનારા પારસીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા કેટલીક ટ્રેનોને સંજાણ સ્ટેશને ખાસ સ્ટોપેજ પણ આપવામાં આવે છે પારસીઓના આ વિશેષ તહેવાર 'સંજાણ ડે'નો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે જે માટે વાંચો આ વિશેષ અહેવાલ.

સંજાણ ડેની ઉજવણી

ઈરાનના મર્વ વિસ્તાર નજીક સંજાણ નગર આવેલું હતું. જ્યાં પારસીઓ રહેતા હતા. ધર્મની રક્ષા માટે ઈરાનનું સંજાણ નગર છોડીને ગુજરાતમાં આશરો માંગનારા પારસીઓએ પોતાના મુળ વતન સંજાણની યાદ તાજી રાખવા ગુજરાતમાં આ સ્થળે પોતાનો આશ્રય મેળવ્યો હતો. અને તે સ્થળને સંજાણ નામ આપ્યું હોવાનો ઉલ્લેખ છે. ઇરાનથી કુલ 1,305 પારસીઓ 11 વહાણોમાં ગુજરાતના દિવ અને તે બાદ સંજાણ બંદરે આવ્યા હતા. જેમાં 6 વહાણમાં મહિલાઓ 4 વહાણમાં પુરુષો અને એક વહાણમાં પવિત્ર આતશ સાથે તેમના ધર્મ ગુરુ હતા. 6 માસના દીર્ઘ પ્રવાસ બાદ તેઓ ભારતની આ ધરતી પર પહોંચ્યા હતાં.

સંજાણ ડેની ઉજવણી

પારસીઓના ઇતિહાસની ઝાંખી સંજાણ સ્તંભો ઉપરની તકતીમાં તો જોવા મળે જ છે. વળી પારસીઓના ઇતિહાસને અકબંધ રાખવા માટે વર્ષ 2002ની 20મી નવેમ્બરના રોજ સંજાણ દિવસની ઉજવણી સમયે એક ટાઈમ કેપ્સ્યુલને જમીનમાં ભંડારામાં આવી છે. ભારત આવ્યા બાદ પારસીઓએ કઈ રીતે પોતાના પવિત્ર આતશ ની રક્ષા કરીને પોતાના ધર્મને ટકાવી રાખ્યો અને કઈ રીતે ભારતમાં રહીને એમણે પ્રગતિ સાધી એનો ઉલ્લેખ આ કેપ્સ્યુલમાં કરવામાં આવ્યો છે. જેથી આગામી 100-200 કે 500 વર્ષ પછી જો કોઈ આ કોમ અંગે જાણવા માંગશે તો તે આ ટાઈમ કેપસ્યુલ થકી જાણી શકશે.

ઉલ્લેખનીય છે કે, દૂધમાં સાકરની જેમ ભળી જનાર આ પારસી કોમ આજે પણ તેમને આશ્રય આપનાર રાજાની યાદમાં એ દિવસની ઉજવણી કરતો હોય તેવો ભારત દેશનો એકમાત્ર સમાજ છે. જે હિંદુસ્તાન પ્રત્યેની દેશ દાઝ ધરાવે છે. અને 'જે દેશમાં છે બધા ધર્મોની ઈજ્જત અને માન એ દેશ છે મારો પ્યારો હિન્દુસ્તાન' એવુ ગર્વથી કહી PARSI= People Always Ready to Serve India કહી ઉપકારનો બદલો અનેકગણા ઉપકારથી આપી રહ્યો છે.

Last Updated : Nov 17, 2019, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details