વલસાડઃ વાપી સહિત વલસાડ જિલ્લામાં લોકડાઉન 3ની પૂર્ણાહૂતિ અને 4ના શુભારંભ સાથે જ વાપીમાં કોરોના પોઝિટિવના કેસમાં વધારો થયો છે. મંગળવારે સાંજે જિલ્લા આરોગ્ય વિભાગે વાપીના ચલા સ્થિત સત્તાધાર સોસાયટીમાં રહેતા અને વાપી વાયબ્રન્ટ માર્કેટમાં શાકભાજીનો વેપાર કરતાં બે યુવકોને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. જેને લઈને ફરી એકવાર વાપી વાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
વાપીમાં શાકભાજીના 2 વેપારીના કોરોના રીર્પોટ પોઝિટિવ વાપી તાલુકામાં શનિવારે બપોર પછી કોરોના પોઝિટિવના બે કેસ મળ્યા બાદ કોરોના પોઝિટિવ કેસનો સિલસિલો શરૂ થયો છે. કોઇપણ જાતના બ્રેક વિના સતત ચાર દિવસથી પોઝિટિવ કેસો મળી રહ્યા છે. મંગળવારે વાપીના ચલા સ્થિત સત્તાધાર સોસાયટીમાં રહેતા અને હાઇવે સ્થિત ન્યૂ વાયબ્રન્ટ વેજીટેબલ માર્કેટમાં શાકભાજીનો વેપાર કરતા 31 વર્ષીય રવિ ગોરખ જયસ્વાલ અને અનુ સંતોષભાઇ જયસ્વાલના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર તંત્ર દોડતું થઇ ગયું હતું. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આ બંને યુવકો ચાર દિવસ પહેલા વતન ઉત્તરપ્રદેશથી આવ્યા હતા અને વાપી આવ્યા બાદ વાયબ્રન્ટ માર્કેટમાં શાકભાજીનો વેપાર પણ કરતા હતા. વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં કુલ 11 કેસોની સાથે જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 17 પર પહોંચી છે.કોરોના પોઝિટિવ દર્દી રવિ ગોરખ જયસ્વાલ અને અનુ સંતોષ જયસ્વાલચાર દિવસ પહેલા વતન ઉત્તરપ્રદેશથી ચોરી છૂપીથી વાપી આવ્યા હતા. આ સંદર્ભે પોલીસ કે આરોગ્ય વિભાગને જાણ કર્યા વિના જ તેઓ ઘરે રહેતા હતા. આ ઉપરાંત વતનથી આવ્યા બાદ વાયબ્રન્ટ માર્કેટમાં શાકભાજીનો વેપાર પણ કરતા હતા. પોલીસ અને આરોગ્ય વિભાગે બંને યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોના કોના સંપર્કમાં આવ્યા હતાં તેની તપાસ હાથ ધરી છે. એ સાથે જ મંગળવારે રાત્રે જ વાયબ્રન્ટ માર્કેટને ખાલી કરાવવામાં આવી હતી. પરંતુ તે બાદ તેને બંધ કરવાની તંત્ર તરફથી સત્તાવાર સૂચના નહિ મળતા સવારે માર્કેટ ફરી ખુલી હતી અને લોકો નિર્ભય બની શાકભાજીની ખરીદી કરતા જોવા મળ્યા હતા. જ્યારે દર્દીઓના રહેઠાણ આસપાસ સેનેટાઇઝ સ્પ્રેનો છંટકાવ કરવાની, મુખ્ય માર્ગો પર આડશ મૂકી બંધ કરવા સહિતની કામગીરી હાથ ધરી છે.