અહીં કાછલ ફળિયા વિસ્તારમાં PWD વિભાગ દ્વારા કચીગામ-પટલારાને જોડતો એક બ્રિજ તાણી બાંધવામાં આવ્યો છે. આ બ્રિજ નજીક લગભગ 15 થી 20 પરિવારો રહે છે. બ્રિજ પહેલા અહીંના રસ્તા પર ગામ લોકો અવર જવર કરતા હતા. પણ એ જ રસ્તાની ઉપર તંત્રએ બ્રિજ તાણી બાંધતા ગામ લોકોનો અવર જ્વરનો રસ્તો બંધ થઇ ગયો છે.
હવે અહીં બ્રિજ નીચેના એક ધૂળિયા રસ્તા પર લોકો અવર જવર કરી રહ્યા છે. નવો બનેલો બ્રિજ અહીંના લોકો માટે જાણે ચીનની દીવાલ સમાન બની ગયો છે. પડેલા ચોમાસાના પ્રથમ વરસાદે બ્રિજ નીચેના કાચા રસ્તાને કાદવ કીચડમાં ફેરવી નાખતા માર્ગ પરથી પસાર થતા અનેક વાહન ચાલકો સ્લીપ ખાઈ ગયા હતા. હાલત એવી થઇ પડી છે કે આ રસ્તા પરથી હવે એક પણ વાહને પસાર થવું મુશ્કેલ થઇ પડ્યું છે.
દમણમાં વિકાસલક્ષી યોજનાઓ બની મુસીબતની યોજનાઓ સૌથી મોટી સમસ્યા સ્કૂલ અને આંગણવાડીમાં જતા અહીંના નાના ભૂલકાઓ માટે ઉત્પન્ન થઇ છે. રસ્તાના અભાવે બાળકોને સ્કૂલે મોકલવા માટે ગામલોકોએ બ્રિજ પર સીડીઓ મુકવાનો વારો આવ્યો છે. આ સીડી પર ચડીને બાળકો બ્રિજની ઉપર પંહોચે છે. જ્યાંથી પોતપોતાની સ્કૂલે જાય છે. નવાઈની વાત તો એ છે કે તંત્રએ અહીં એક નંદઘર પણ બનાવ્યું છે. પણ નંદઘર સુધી જવા માટે કોઈ રસ્તો જ ન હોવાથી આ નંદ ઘર પણ ભૂલકા વિહોણું ભાસી રહ્યું છે.
નવા બનેલા આ બ્રિજ પર વાહનોનો ધમધમાટ વધુ હોય એટલેમાં પિતા બાળકોને સીડી મૂકીને બ્રિજ પર મોકલતા ખચકાય છે. જેથી એક બ્રિજને કારણે બાળકોના ઉજ્વળ ભવિષ્ય સામે ખતરો મંડરાઈ રહ્યો છે. ગામલોકોએ નવો રસ્તો બનાવવા બાબતે પી.ડબ્લ્યુ.ડી વિભાગને પણ રજૂઆત કરી હતી. પણ એક બ્રિજ બનાવીને જાણે દમણ પર ખુબ મોટો ઉપકાર કર્યો હોય અને વિકાસશીલ દમણમાં હવે નાના રસ્તાઓનું જાણે કોઈ કામ જ ના હોય તેમ PWDએ રસ્તો બનાવવાની ગામલોકોની રજૂઆતને કચરા પેટીમાં નાખી દીધી હતી.
ગામમાં રસ્તાની સૌથી મોટી સમસ્યા છતાં અહીં PWD વિભાગનો એક પણ અધિકારી હજુ સુધી ફરક્યો નથી. રસ્તાના અભાવની સૌથી મોટી સમસ્યા અહીંના બીમાર લોકો પર પણ પડી છે. કારણ કે, ગામમાં કોઈ વાહન કે એમ્બ્યુલન્સ આવી શકતી ન હોવાથી દર્દીને હોસ્પિટલ સુધી પંહોચાડવા માટે જે તે પરિવારે દર્દીને લઈને દૂર દૂર સુધી પગપાળા જવું પડે છે.
ગઈ કાલથી સમગ્ર ગુજરાત સાથે દમણમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે અને માર્ગ પર કાદવ કીચડે પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું છે. ત્યારે, હવે આવનારા દિવસોમાં જો ચોમાસુ બરાબર જામ્યું અને PWD વિભાગે માર્ગ બનાવવા માટે કોઈ નક્કર પગલાં ન લીધા તો અહીંના સ્થાનિકોએ ચાર મહિના ઘરમાં કેદી તરીકે વિતાવવા પડશે એવી હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે.