દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા 2 વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દાદરા અને નગર હવેલી વહીવટી તંત્રના પ્રાથમિક શિક્ષણ વિભાગ અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2019ના વર્ષમાં આંગણવાડી, પૂર્વ પ્રાથમિક વિભાગ તેમજ ધોરણ 1 માં નવા તેમજ પુનઃ પ્રવેશ લેનાર 9391 જેટલા બાળકોના શૈક્ષણિક પ્રવાસના પ્રથમ સોપાનને વધાવી લેવા માટે 'શાળા પ્રવેશોત્સવ 2019'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં વિવિધ 93 પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
દાદરા અને નગર હવેલી કલેક્ટર કન્નન ગોપીનાથન, સાંસદ મોહન ડેલકર, જિલ્લા પંચાયત પ્રમુખ રમણ કાકવા તેમજ જિલ્લા પોલીસવડા શરદ દરાડેની ઉપસ્થિતિમાં પ્રાથમિક ગુજરાતી કેન્દ્ર શાળા રખોલી ખાતે મુખ્ય શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કલેકટર કન્નન ગોપીનાથને પ્રદેશમાં શાળાના તમામ બાળકોને સારું શિક્ષણ મળે, સારું મધ્યાહન ભોજન મળે સારી સુવિધા મળે તે માટે પ્રશાસન સતત પ્રયાસ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. કન્નન ગોપીનાથને વર્ષ દરમિયાન શાળાઓમાં કરવામાં આવતી, યોગ, કરાટે, જેવી તાલીમ ઉપરાંત અન્ય જરૂરી તમામ પાયાગત સુવિધાઓ પુરી પાડવામાં આવતી હોવાનું જણાવી વાલીઓને પોતાના બાળકોને ભણાવવા અને ભવિષ્યમાં દાદરા નગર હવેલીમાં પોતાના સ્થાને આ જ પ્રદેશના યુવાનો આવે તેવી ભાવના વ્યક્ત કરી હતી.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પહેલી વખત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સાંસદ મોહન ડેલકરે પ્રશાસનના આ કાર્યક્રમને વધાવ્યો હતો. આ કાર્યક્રમમાં મોહન ડેલકરે જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમ થકી શિક્ષાનું સ્તર સુધર્યું છે, તો આવા કાર્યક્રમોથી બાળકોને પણ પ્રોત્સાહન મળે છે, આ અંગે વધુમાં જણાવતા મોહન ડેલકરે જણાવ્યું કે, પ્રશાસનની આ પહેલથી વાલીઓ શિક્ષકો અને અધિકારીઓમાં પણ આત્મીયતા વધી છે. આ પ્રદેશમાં મેડિકલ કૉલેજ, યુનિવર્સિટી, નર્સિંગ કૉલેજ, એન્જીનીયરીંગ કૉલેજની માન્યતા મળતાં દાદરા અને નગર હવેલીના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે તે માટે પ્રશાસક પ્રફુલ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.