- જિલ્લા પંચાયત, પાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન
- જિલ્લા પંચાયતની બેઠકો માટે 56 ઉમેદવારો
- નગરપાલિકાના વિવિધ વોર્ડમાં કુલ 44 ઉમેદવારો
દાદરા અને નગર હવેલી : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં જિલ્લા પંચાયત અને પાલિકાના 15 વોર્ડ માટે મતદાન વહેલી સવારથી શરૂ થઇ ગયું હતું. જેમાં સવારે 7 કલાકથી ગ્રામીણ કક્ષાના લોકોમાં મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે 7 કલાકથી બપોરે 12 કલાક સુધીમાં પાલિકા માટે 12 ટકા મતદાન જ્યારે જિલ્લા પંચાયતમાં 16 ટકા મતદાન નોંધાયું હતું.
દાદરા અને નગર હવેલીમાં જિલ્લા પંચાયત, પાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન વિવિધ બૂથો પર મતદાન થઇ રહ્યું છે
સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીમાં રવિવારે જિલ્લા પંચાયત નગરપાલિકા અને સરપંચ પદ માટેની ચૂંટણીનું આયોજન થયું છે. જેમાં જિલ્લા પંચાયતની ૨૦ બેઠકો અને નગરપાલિકાના 15 વોર્ડની 15 બેઠકો માટે વિવિધ બૂથો પર મતદાન શરૂ થયું છે.
કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે વિશેષ વ્યવસ્થા કરાઇ
રવિવારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વિવિધ મતદાન મથકો પર લાંબી લાઈનોમાં જોડાયા હતા. આ વખતે કોરોનાની મહામારીમાં આવેલી ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા મતદાન કરવા આવનારા તમામ મતદારો માટે તકેદારીના ભાગરૂપે કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
1,59,879 કુલ મતદાતાઓ કરશે મતદાન
સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં જિલ્લા પંચાયત, સરપંચ તેમજ નગરપાલિકાની ચૂંટણી એક સાથે યોજવામાં આવી છે. રવિવારની વહેલી સવારથી જ નગરપાલિકા વિસ્તારના વિવિધ બૂથો પર પાલિકાના વિવિધ વોર્ડમાં ઉભેલા 44 ઉમેદવારો માટે અનેક મતદાતાઓએ પોતાનું મતદાન કર્યું હતું. જ્યારે જિલ્લા પંચાયતની બેઠકો પર 56 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમના માટે જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા 1,59,879 કુલ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારથી જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત વિસ્તારમાં બનાવવામાં આવેલા વિવિધ મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા હતા.
કોંગ્રેસ-ભાજપ અને જનતાદળ(યુ)ના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ
મહત્વનું છે કે, દાદરા અને નગર હવેલીમાં જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત અને નગરપાલિકા આ ત્રણેનું એક સાથે મતદાન થઈ રહ્યું છે. જેમાં કોંગ્રેસ-ભાજપ અને જનતાદળ(યુ)ના ઉમેદવારો વચ્ચે વિવિધ બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળશે.