દમણઃ દમણમાં શુક્રવારે વહેલી સવારે એક ઇસમને બેફામ માર મારી ઘાયલ કરી નાસી છૂટેલા અને તે બાદ ગંભીર મારથી મૃત્યુ પામેલા યુવકના હત્યારાઓને દમણ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. મૃતક ઇસમ હત્યારાઓની વાડીમાં તાડના ઝાડમાંથી તાડીની ચોરી આ હત્યા કરવા પાછળનું મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
શુક્રવારે 17મી એપ્રિલના દમણ પોલીસને ભીમપોર કોસ્ટલ હાઇવે પર એક ઈસમ ઘાયલ પડ્યો હોવાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઇ ઘાયલ ઇસમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ ઇસમે દમ તોડ્યો હતો. આ મામલે દમણ પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને ઝડપી પાડ્યો છે.
આ હત્યા અંગે પોલીસે આપેલી વિગત મુજબ, મૃતક યુવક મૂળ ઉત્તરપ્રદેશનો વતની હતો. દમણમાં આવેલા રોંચ કંપનીમાં કામ કરતો હતો. તેનું નામ રામલખન ઘાદૂ વર્મા હતું. જેને દમણના જયેશ ચંપક હળપતિ અને નીતિન જમનાદાસ હળપતિએ બેફામ માર માર્યો હતો. જે બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તાડના ઝાડનું તાડી કહેવાતું કેફી પીણું મૂળ કારણ હોવાનું સામે આવ્યું છે. બંને હત્યારાઓએ પોતાનો ગુન્હો કબુલતા જણાવ્યું હતું કે, તેમની તાડની વાડીમાં રોજ તાડીની ચોરી થતી હતી. જે અંગે શુક્રવારે રાત્રે વાડીમાં વોચ ગોઠવી હતી. જે દરમ્યાન મૃતક અને તેના સાથીઓ વાડીમાં તાડી ચોરવા આવ્યાં હતા. જેમના પર બંનેએ હુમલો કર્યો હતો. હુમલામાં મૃતકના સાથીઓ ભાગી છૂટ્યા હતાં. જ્યારે રામલખન તેમના હાથે ઝડપાઇ જતા તેને બેફામ માર માર્યો હતો. બાદમાં સારવાર દરમિયાન તેનું મોત થયું.
દમણમાં યુવકને મોતને ઘાટ ઉતારનાર હત્યારાઓની પોલીસે કરી ધરપકડ
દમણમાં તાડની ચોરીને લઈ યુવકને માર માર્યો હતો. ત્યાર બાદ યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયાંં સારવાર દરમિયાન તે યુવકનું મોત થયું હતુ. જોકે પોલીસે હત્યારાઓને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
daman
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી દમણ કોર્ટમાં રજૂ કર્યા હતાં. જ્યાં નામદાર કોર્ટે 21મી એપ્રિલ સુધીના રિમાન્ડ આપ્યા છે.