દમણ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી એપ્રિલે દાદરા અને નગર હવેલીના સેલવાસ તેમજ દમણની મુલાકાતે આવવાના છે. આ બંને સ્થળોએ વડાપ્રધાન 4,850 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. દમણમાં PM સી ફ્રન્ટનું લોકાર્પણ કરશે. આ અંગે દમણ ડેપ્યુટી કલેકટરે વિગતવાર માહિતી આપી છે.
કોષ્ટગાર્ડથી સી ફ્રન્ટ સુધી રોડ શો :વડાપ્રધાનની મુલાકાત અંગે દમણના ડેપ્યુટી કલેકટરે મોહિત મિશ્રાએ જણાવ્યું હતું કે, 25મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ સેલવાસમાં આવશે. જ્યાં તેઓ વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે. જે બાદ તેઓ દમણ કોસ્ટગાર્ડ એરપોર્ટ પર આવશે. જ્યાંથી તેઓ દેવકા સી-ફ્રન્ટ જશે જ્યાં તેનું લોકાર્પણ કરશે. જે દરમિયાન તેમનો ભવ્ય રોડ શો આયોજિત કરવામાં આવ્યો છે. વડાપ્રધાનનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. એટલે વડાપ્રધાનની સુરક્ષા માટે પ્રશાસને વિશેષ તૈયારીઓ કરી છે. પાણી, શૌચાલય, દવા સહિતની વ્યવસ્થા ઉભી કરી છે. જોકે, તેમનો સંપૂર્ણ રૂટ શું રહેશે તે અંતિમ સમયે જાહેર કરવામાં આવશે.
તૈયારીઓ કેવી :ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને દમણ પ્રશાસન તૈયારીઓમાં જોતરાયું છે. પરંતુ તે તૈયારીઓ કેવી છે? વડાપ્રધાનના રોડ શો, લોકાર્પણ કાર્યક્રમમાં કેટલા લોકો ઉપસ્થિત રહેશે? સ્વાગત માટે કેવી તૈયારીઓ છે? દમણના વિવિધ સમાજો દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી છે તે તમામ વિગતો મીડિયા સમક્ષ આપવાનું ડેપ્યુટી કલેકટરે ટાળ્યું હતું.
નમો મેડીકલનું ખાતમુહૂર્ત:જોકે, સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ સેલવાસ ખાતે વડાપ્રધાન જે NAMO મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટનું ઉદ્ઘાટન કરવાના છે. તે અદ્યતન મેડિકલ કોલેજમાં અદ્યતન સંશોધન કેન્દ્રો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સની સુલભતા સાથે સજ્જ 24x7 સેન્ટ્રલ લાઇબ્રેરી, વિશિષ્ટ તબીબી સ્ટાફ, તબીબી લેબોરેટરીઓ, સ્માર્ટ લેક્ચર હોલ, સંશોધન લેબોરેટરીઓ, એનાટોમી મ્યુઝિયમ, ક્લબ હાઉસ, રમતગમત સુવિધાઓનો સમાવેશ થાય છે. તેમજ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો માટે રહેઠાણની સુવિધા સમાવવામાં આવી છે. આ સંસ્થાનો શિલાન્યાસ પણ વડાપ્રધાને પોતે જ જાન્યુઆરી, 2019માં કર્યો હતો. આ સંસ્થા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના નાગરિકો માટે આરોગ્ય સંભાળ સેવાઓમાં પરિવર્તન લાવશે.