દમણ:કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દરિયા કિનારે બનેલા સી-ફ્રન્ટ માર્ગ સહિત વિવિધ વિકાસના પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવાના છે. નરેન્દ્ર મોદીના સ્વાગત માટે હાલ દમણ ભાજપ, દમણ પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભાજપ દ્વારા PM ના સ્વાગત માટે ઘરઘર જઇ લોકોને આમંત્રણ આપી રહ્યા છે. સ્વાગત માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
16 કિલોમીટર લાંબો રોડ શૉ: આગામી 25મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6ઠ્ઠી વખત કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની મુલાકાતે આવવાના છે. જેને લઈને દમણ ભાજપ અને દમણ પ્રશાસન તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. દમણમાં વડાપ્રધાન 16 કિલોમીટર લાંબો રોડ શૉ યોજવાના છે. ત્યારે વડાપ્રધાનની દમણ મુલાકાત અંગે દમણ શહેર ભાજપ અધ્યક્ષ અસ્પી દમણિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની દમણ મુલાકાતને લઈ દમણવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
4800 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાલ દરમ્યાન દમણમાં તેમણે જે વિવિધ વિકાસના કામોનું ખાતમુહરત કર્યું હતું. તેમાના જ 4800 કરોડથી વધુના વિકાસના કામોનું તેઓ લોકાર્પણ કરવાના છે. જેમાં દમણ દેવકા ખાતેના સી-ફ્રન્ટ રોડ, દમણની ફિશ માર્કેટસ, શાક માર્કેટસ, પોલીસ સ્ટેશન, દેવકા ગાર્ડન, સેલ્ફી પોઇન્ટ સહિતના પ્રોજેક્ટનું મોદી લોકાર્પણ કરશે.
ભાતીગળ સંસ્કૃતિ સાથે સ્વાગત:25 મી એપ્રિલે તમામ દમણવાસીઓ દેવકા ખાતે આયોજિત રોડ શૉમાં ઉપસ્થિત રહી, દરેક સમાજ તેમની ભાતીગળ સંસ્કૃતિ સાથે તેમનું સ્વાગત કરે તે માટે દરેક સમાજના આગેવાનો સાથે ભાજપ સંગઠન બેઠક કરી રહ્યું છે. ભાજપ કાર્યકરો દ્વારા 108 કુંડી મહાયજ્ઞ કરવામાં આવશે. કોલેજમાં જઇ મોદી સરકારે એજ્યુકેશન માટે દમણમાં કેવો વિકાસ કર્યો છે. તેની જાણકારી અપાઈ રહી છે.