સેલવાસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી એપ્રિલે દાદરા નગર હવેલીના સેલવાસની મુલાકાતે આવશે. અહીં વડાપ્રધાન તેમના નામે બનેલ નમો મેડિકલ કોલેજ સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં કાર્યરત તેમજ પૂર્ણ થયેલા અંદાજિત 5 હજાર કરોડના વિકાસલક્ષી પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
તૈયારીઓને આખરી ઓપ: દાદરા નગર હવેલી અને દમણ દીવ માટે 25મી એપ્રિલનો દિવસ અનેરા ઉત્સાહનો દિવસ છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેલવાસની મુલાકાતે પધારવાના છે. સેલવાસમાં નરેન્દ્ર મોદી નમો મેડિકલ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવાના છે. તેમજ અંદાજિત 50 હજાર જેટલા લોકોને સંબોધન કરવાના છે. જે માટે દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જે અંગે સેલવાસના ડેપ્યુટી કલેકટર ચાર્મી પારેખે મહત્વની વિગતો આપી હતી.
નમો મેડિકલ કોલેજનું કરશે ઉદ્ઘાટન:ડેપ્યુટી કલેકટર ચાર્મી પારેખે આપેલી વિગતો મુજબ PM મોદી 25મી એપ્રિલે 4 વાગ્યા આસપાસ હેલિકોપ્ટરથી સેલવાસ આવશે. અહીંના હેલિપેડ પર ઉતરી તેઓ સાયલીમાં તૈયાર થયેલ નમો મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરશે. કોલેજની મુલાકાત લઈ તેમાં ઉપલબ્ધ સુવિધાઓની વિગતો મેળવશે. જે બાદ વડાપ્રધાન નજીકમાં તૈયાર કરેલ સભા મંડપ ખાતે જનમેદનીને સંબોધન કરશે.
જનસભાને કરશે સંબોધન:નરેન્દ્ર મોદીની જનસભા માટે તૈયાર કરેલ ડૉમમાં 65 હજાર ખુરશીઓ ગોઠવવામાં આવી છે. ગરમીને ધ્યાને રાખી પ્રશાસને વિશેષ વ્યવસ્થા કરી છે. પંખા, એરકુલર ઉપરાંત ફોગર્સની વ્યવસ્થા છે. સભા મંડપ આસપાસ 9 જેટલા પાર્કિંગ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. બસ, કાર, બાઇક સહિતના વાહનો ત્યાં પાર્ક થશે. ચાલીને આવનાર લોકો માટે ઇલેક્ટ્રિક બસની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો માટે પાણી, લીંબુ શરબત, ORS, ઉપરાંત ટોઇલેટની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.