સેલવાસ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 એપ્રિલે સેલવાસ અને દમણની મુલાકાત લેશે. જેમાં PM મોદી સૌપ્રથમ દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલ NAMO મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત લેશે અને તેનું લોકાર્પણ કરશે. આ સંસ્થાનો શિલાન્યાસ પણ PM મોદીએ જાન્યુઆરી, 2019માં કર્યો હતો. આ સંસ્થા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના નાગરિકો માટે આરોગ્ય સંભાળ સેવાઓમાં પરિવર્તન લાવશે.
વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ: PM મોદી 25મી એપ્રિલે દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલ NAMO મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત લેશે અને તેનું લોકાર્પણ કરશે. આ મેડિકલ કોલેજ મળવાથી દાદરા નગર હવેલીના ડોકટર બનવા માંગતા મેડિકલ ફેકલ્ટીના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ છલકાઈ રહ્યો છે. નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 180 આસપાસની કુલ મેડિકલ સીટ છે. જેમાં દાદરા નગર હવેલી અને દમણ દીવ માટે 142 રિઝર્વ સીટ છે.
તબીબ બનવાનું સપનું સાકાર: મેડિકલ કોલેજની સુવિધા મળતા આ અંગે કોલેજમાં MBBSનો અભ્યાસ કરતી અશ્વિની આહિરે જણાવ્યું હતું કે એક મેડીકલની વિદ્યાર્થીની તરીકે તે ખૂબ જ ખુશીની લાગણી અનુભવે છે. કેમ કે પહેલા દાદરા નગર હવેલી, દમણ, દીવમાં કોઈ જ મેડિકલ કોલેજ નહોતી. દાદરા નગર હવેલીમાંથી માત્ર 6 મેડિકલ સીટ હતી. જેમાં ડોકટર બનવાનું સપનું અધૂરું રહેતું હતું. હવે નરેન્દ્ર મોદીએ મેડિકલ કોલેજની મંજૂરી આપી કોલેજ બનાવી છે. જેમાં 142 સીટ છે. દરેક સ્થાનિક વિદ્યાર્થીઓ તેમનું તબીબ બનવાનું સપનું પુરી કરી શકશે.