ગુજરાત

gujarat

ETV Bharat / state

સરીગામ-ઉમરગામમાં GIDCના કારણે ભિલાડમાં ટ્રાફિક સમસ્યાનો વધારો - ટ્રાફિક સમસ્યા

ભિલાડ: વલસાડ જિલ્લાના વાપી GIDC બાદ હાલ સરીગામ ઇન્ડસ્ટ્રીઝમાં વધી રહેલા ઔદ્યોગિકરણ અને પ્રદૂષણકારી એકમોથી સરીગામ જ નહીં પરંતુ, ભિલાડ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારના મુખ્ય માર્ગો પર પણ ટ્રાફિક સમસ્યા, ધ્વનિ પ્રદુષણ, વાયુ પ્રદુષણ વધી રહ્યું છે. ભિલાડ ફાટક પર ટ્રાફિકની સમસ્યા દિવસો દિવસ વકરતી હોવાના કારણે સ્થાનિક લોકોમાં રોષની લાગણી ભભૂકી છે.

GIDCના કારણે ભિલાડમાં વકરી રહી છે ટ્રાફિક સમસ્યા

By

Published : Aug 11, 2019, 5:09 PM IST

મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે પરથી કે કરમબેલી ગૂડ્સયાર્ડમાં આવતા ભારેખમ કન્ટેઇનર ટ્રક અને અન્ય કાર-બાઇક જેવા વાહનોથી ભિલાડમાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. સરીગામ GIDC કે, ઉમરગામ GIDCમાં જવા માટે રેલવે પર ફાટક બનાવવામાં આવ્યું છે. જે એક જ મુખ્ય માર્ગ છે. બીજો અન્ડરગ્રાઉન્ડ ગરનાળુ છે. જેમાં માત્ર કાર કે બાઇક જેવા વાહનો જ પસાર થઈ શકે છે. રેલવે ફાટક પર સવારના 7 વાગ્યાથી લઈને રાત્રીના 10:30 વાગ્યા સુધી સતત ભારેખમ ટ્રક-કન્ટેઇનર આવતા જતા હોય છે. એમાં પણ આ સમસ્યા દિવસો દિવસ ઘટવાને બદલે વધી રહી છે.

GIDCના કારણે ભિલાડમાં વકરી રહી છે ટ્રાફિક સમસ્યા

સરીગામ GIDCમાં જવા માટેનો આ મુખ્ય માર્ગ છે. GIDCમાં અનેક નવી કંપની આવી રહી છે, કેટલીક કંપનીઓ પોતાનું એક્સપાંશન કરી રહી છે. હાલમાં આ અદ્યૌગિક એકમોમાં ગ્રીન પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાની હોડ લાગી છે. જેમાં કેટલાક પ્લાન્ટ કોલસા અને ડીઝલ આધારિત હોય તેનાથી મોટાપાયે પ્રદુષણ તો ફેલાશે જ પણ તે સાથે ભિલાડ ફાટક પર ટ્રાફિક સમસ્યા પણ વકરશે. તેવા મત સાથે સ્થાનિક લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.

GIDCના કારણે ભિલાડમાં વકરી રહી છે ટ્રાફિક સમસ્યા

ભિલાડમાં વર્ષોથી રહેતા અને ભારતીય કિસાન સંઘના માજી મહામંત્રી કાંતિલાલ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, ભિલાડ ફાટક પર ટ્રાફિકની ગંભીર સમસ્યા છેલ્લા 20 વર્ષથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ભિલાડ નજીક આવેલા સરીગામ, ઉમરગામ, તુમ્બ વગેરે વિસ્તારમાં મોટા પાયે ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે. જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા એટલી બધી વધી રહી છે કે, વલસાડથી નીકળેલો વ્યક્તિ કાર કે મોટરસાયકલ ભિલાડ પહોંચી જાય છે. પરંતુ ભિલાડનો વ્યક્તિ ફાટક ક્રોસ કરીને હાઇવે પર પહોંચી નથી શકતો. સતત અહીં ટ્રેનોના આવાગમને કારણે ફાટક બંધ રહે છે. ભારેખમ વાહનોના કારણે ધ્વનિ પ્રદૂષણ, વાયુ પ્રદુષણ સતત વર્તાઈ રહ્યું છે. શિયાળા-ચોમાસામાં સ્થાનિક લોકોને રીતસરની ગુંગળામણ થાય છે. પંચાયત દ્વારા અને સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ અહી બ્રિજ બન્યો નથી.

ટ્રાફિક સમસ્યાના કારણે આ ચાર માર્ગીય માર્ગ પર છ લાઈનમાં ટ્રાફિક થઈ જાય છે. 108 જેવી ઈમરજન્સી સેવાને પણ આવાગમન માટે તકલીફ પડી રહી છે. એક સ્થાનિક નાગરિક રાજદીપ પટેલે જણાવ્યું હતું કે, ભિલાડમાં ફાટક અને ગરનાળા ખાતે ટ્રાફિક સમસ્યાના કારણે બેંક જેવા અન્ય સરકારી કામ માટે જતા લોકોને, સ્કુલે જતા બાળકોને ખુબ જ પરેશાની સહન કરવી પડી રહી છે. નજીકની સરીગામ GIDCમાં 400થી વધુ કંપનીઓનો ટ્રાફિક ભિલાડના લોકો માટે માથાનો દુખાવો બન્યો છે. દરરોજ એક-એક કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ થાય છે. શાળા જતા વિદ્યાર્થીઓ અને અન્ય કામ અર્થે નીકળતા સ્થાનિક લોકો ફસાઈ રહ્યા છે, પરંતુ આ અંગે કોઈ જ નિરાકરણ સરકાર તરફથી કરવામાં આવતું નથી.

ઉલ્લેખનીય છે કે, ભિલાડમાં ગરનાળા ખાતે અને રેલવે ફાટક ખાતે ઉદ્વભવતી ટ્રાફિક સમસ્યા રોજિંદી સમસ્યા બની છે. દરરોજ પીક-અવર ટાઈમમાં જ નહીં પરંતુ 15 કલાક સતત ટ્રાફિક જામ રહે છે. વાહનોની કતારો એક કિલોમીટર સુધી લાંબી બની રહી છે. આગામી દિવસોમાં સરીગામ GIDCમાં લાગેલી ઔદ્યોગિકરણ હોડ આવનારા દિવસોમાં હજુ વધુ ટ્રાફિકનું ભારણ વધારશે અને લોકો ઔદ્યોગિક પ્રદુષણને કારણે અને વાહનોના પ્રદૂષણના કારણે ગંભીર બીમારીઓના ભરડામાં ધકેલાતા જશે. ધીમા પગલે આવી રહેલું આ મોત આગામી દિવસોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે તેમ હોય આ અંગે જો સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અહીંના સ્થાનિક લોકો દ્વારા જન આંદોલનનું રણશીંગુ ફૂંકાઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details