દમણના કચીગામમાં એક બાર એન્ડ રેસ્ટોરન્ટ સામે વાપીના સી. બી. રાજન નામના યુવક સાથે અન્ય કેટલાક લોકોની બબાલ થઈ હતી. જેમાં મૃતક સી. બી. રાજન જીવ બચાવવા ભાગ્યો હતો. ત્યારે 200થી 300 ફૂટ દૂર ગોવા બેન્ક પાસે આરોપીએ તેને આંતરી માથાના ભાગે દારૂની બોટલથી હુમલો કર્યો હતો. જેની સાથે તેનું ઘટનાસ્થળે મોત થયું હતું.
દમણના કચીગામમાં યુવાનની હત્યા, માથામાં ફોડી દારૂની બોટલ
દમણઃ સંઘપ્રદેશ દમણમાં ગત મોડી રાત્રીએ કચીગામ ગામમાં આવેલા એક બાર પાસે કેટલાક ઈસમો વચ્ચે મારમારીની ઘટના બની હતી. જેમાં વાપીના એક યુવાનને કેટલાક લોકો સાથે બાબાલ થતા તેના પર દારૂની બોટલ દ્વારા હુમલો કરાયો હતો. તે દરમિયાન તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. હાલ, આ સમગ્ર મામલે દમણ જિલ્લા પોલીસવડાની ટીમે આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે.
આ અંગે વાત કરતાં દમણ જિલ્લા પોલીસ વડા વિક્રમજીત સિંઘે જણાવ્યું હતું કે," PCR ટીમને ઘટના અંગે જાણ થતા ટીમે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે દમણની મરવડ હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતીમાં મૃતક યુવાનની ઉંમર 40 વર્ષ આસપાસની હોવાનું અને તે વાપીનો હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના બાર એન્ડ રેસ્ટોરન્ટના સામે આવેલી ગોવા બેન્ક સુધીના મુખ્ય માર્ગ પર બની હતી. આ બંને સ્થળો પર CCTV કેમેરા લગાડવામાં આવ્યાં છે. ત્યારે, પોલીસે આ કેમેરા થકી પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરી છે.